Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મોરબી પાલિકામાં ભાજપનાં ૫૦ ટકા ઉમેદવારો રિપીટઃ પૂર્વ પ્રમુખને પક્ષ પલ્ટો ભારે પડ્યો ટિકીટ ન મળી

જીલ્લા પંચાયતમાં અનેકના નામ કપાયા : નવા ચહેરાઓને તક

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૨: મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે જેમાં આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં જીલ્લા પંચાયતમાં મોટાભાગે નવા ચહેરા જોવા મળે છે તો પાલિકામાં ૫૦ ટકા જેટલા ઉમેદવારો રીપીટ કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લા પંચાયતમાં અનેક લોકોના પત્ત્।ા કપાયા છે અને મોટાભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે તો પાલિકામાં અનેક નામો રીપીટ થયેલ જોવા મળે છે તેવી જ રીતે મોરબી, હળવદ અને માળિયા તાલુકા પંચાયતના નામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં અનેક જુના જોગીઓ કપાયા છે તો નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પેટા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા ત્યારે જીલ્લા પંચાયતની માળિયા તાલુકામાં આવતી મોટા દહીંસરા બેઠક પરથી કિશોરભાઈ ચીખલીયાના પત્ની અસ્મીતાબેનને ટીકીટ મળી છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરાએ પણ થોડા સમય પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો પહેર્યો હતો જોકે આજે ભાજપના ઉમેદવારોની જાહેર થયેલ યાદીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કેતન વિલપરાનું નામ જોવા મળ્યું નથી અને પક્ષ પલટો કરનારની ટીકીટ કપાઈ હતી

મોરબી નગરપાલિકા વોર્ડ નં ૦૩ માં જયરાજસિંહ જાડેજાને રીપીટ કરવામાં આવ્યા છે ગત ટર્મમાં પણ તેઓ અહીંથી ચુંટણી જીત્યા હતા જોકે ભાજપની થીયરી મુજબ તેઓને ટીકીટ મળતા હવે મહામંત્રી પદ ત્યજી દેશે તેમ જયરાજસિંહે જણાવ્યું હતું.

મોરબી જીલ્લા પંચાયત ઉપરાંત પાંચ તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકામાં ચુંટણી યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા મોરબી જીલ્લા પંચાયત ઉપરાંત મોરબી, હળવદ અને માળિયા તાલુકા પંચાયત તથા મોરબી અને માળિયા નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે જોકે વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયત તેમજ વાંકાનેર નગરપાલિકાના ઉમેદવારોની યાદી મોડી સાંજ સુધી જાહેર કરવામાં આવી ના હતી.

(10:21 am IST)