Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાવનગર જીલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરીયા સહિત ૭ જામીન મુકત

અલ્ટ્રાટેક બીરલા કંપનીમાં દેખાવો-નુકસાન પ્રકરણમાં સજા-દંડ બાદ ઉપલી કોર્ટનો ચુકાદો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૨ :. ભાવનગર જીલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરીયા સહિત ૭ ખેડૂત આગેવાનોને કોર્ટે અલ્ટ્રાટેક - બીરલા કંપનીની જમીનમાં દેખાવો કરી નુકસાન પહોંચાડવા બદલ છ માસની સાદી કેદ અને રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ ઉપલી કોર્ટ દ્વારા તમામને જામીન મુકત કરાયા હતા.

ભાવનગર જીલ્લામાં તળાજા-મહુવા પંથકમાં અલ્ટ્રાટેક-બીરલા કંપનીની જમીનના માઈનીંગ માટે વિરોધ કરવા લાંબુ આંદોલન ચાલ્યુ હતુ. ગત તા. ૧૬-૧૧-૧૮ના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલ આપના આગેવાન ડો. કનુભાઈ કલસરીયા અને ખેડૂત આગેવાનો-ખેડૂતોેએ કંપનીની જમીનમા ચાલતા માઈનીંગથી કામગીરી અટકાવવા આંદોલન કરી કામ અટકાવી નુકસાન કર્યુ હતુ. આ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ડો. કનુભાઈ કલસરીયા અને ખેડૂતો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ હતી.

દરમ્યાન આ અંગેનો કેસ તળાજાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ખાંભલ્યાની દલીલોને આધારે કોર્ટ ડો. કનુભાઈ કલસરીયા ઉપરાંત વિજયભાઈ બારૈયા, મનુભાઈ ચાવડા, જેન્તીભાઈ ભીલ, રઘુભાઈ બારૈયા, દિનેશભાઈ ભાલીયા અને ભરતભાઈ ભીલને છ માસની સાદી કેદની અને રૂ. ૫૦૦નો દંડની સજા ફટકારી છે અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી.

આ સજા હુકમ બાદ સાતેયે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે મુદત અને જામીન આપવા અરજી કરી હતી. અદાલતે સાતેયને જામીન પર છોડવા હુકમ કર્યો હતો.

(10:59 am IST)