Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગોંડલના વાસાવડમાં ગાયને રોટલી ખવડાવતી વખતે પડોશીએ એંઠવાડ ફેંકતા મારામારીઃ પાંચને ઇજા

લીલાબેન ચાવડાની ફારૂકભાઇ ભટ્ટી અને પુત્ર સોહિલ ભટ્ટી વિરૂધ્ધ ફરિયાદઃ આ બંને પિતા પુત્ર પણ સારવાર માટે રાજકોટ દાખલ થયાઃ તેણે પાર્કિંગ મામલે માથાકુટ થયાનું કહ્યું

રાજકોટ તા. ૧૨: ગોંડલના વાસાવડમાં એક વૃધ્ધા ઘર બહાર ગાયને રોટલી ખવડાવવા નીળકયા ત્યારે પડોશીએ એંઠવાડ ફેકતા તેને ધ્યાન રાખવાનું કહેતાં બોલાચાલી બાદ આ વૃધ્ધા પર પડોશી પિતા-પુત્રએ લાકડી, સળીયાથી હુમલો કરતાં વૃધ્ધા સહિત ત્રણને ઇજા થઇ હતી. સામા પક્ષે હુમલો કરનાર પિતા-પુત્ર પણ રાજકોટ દાખલ થયા હતાં અને પોતાના પર પડોશી પરિવારના છએક લોકોએ વાહન પાર્કિંગના ડખ્ખામાં હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો.

ગોંડલ તાલુકા પોલીસે વાસાવડ રહેતાં લીલાબેન મગનભાઇ ચાવડા (વાળંદ) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી તેના પડોશી ફારૂકભાઇ બચુભાઇ ભટ્ટી અને પુત્ર સોહિલ ફારૂકભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. લીલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઘર બહાર ગાયને રોટલી ખવડાવતા હતાં ત્યાં ફારૂકભાઇએ તેના ઘરની બહાર આવી એંઠવાડ ફેંકતા તેને ધ્યાન રાખવાનું કહેતાં ઝઘડો કર્યો હતો અને ઘરમાંથી લાકડી લાવી માર મારવા માંડ્યા હતાં. ત્યાં તેનો પુત્ર સળીયો લઇને આવ્યો હતો અને તેણે પણ હુમલો કર્યો હતો.

દેકારો થતાં પોતાને બચાવવા ઘરના બીજા લોકો આવતાં તેના ઉપર પણ આ પિતા-પુત્રએ હુમલો કરી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમ લીલાબેને ફરિયાદમાં જણાવતાં એએસઆઇ વાય. એમ. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે ફારૂકભાઇ બચુભાઇ ભટ્ટી (ઉ.વ.૫૬) અને તેનો પુત્ર સોહિલ (ઉ.વ.૨૦) રાજકોટ સિવિલમાં દાખલ થયા હતાં. તેણે પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પડોશી રઘાભાઇ સાથે પાર્કિંગ બાબતે ચડભડ થતાં રઘાભાઇ તથા તેના ઘરના લોકો લીલાબેન ચાવડા, લત્તાબેન ચાવડા, જયદિપ ચાવડા, દિનેશ ચાવડા, બબુબેન ચાવડા અને મગનભાઇ ચાવડાએ મળી પાવડાથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:34 am IST)