Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સાવરકુંડલા પાલિકા માટે ભાજપની સાત વોર્ડની યાદી જાહેરઃ બેમાં હજી અધ્ધરતાલ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૨ :. આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીની લાંબી કશ્મકશ બાદ જીલ્લા ભાજપ દ્વારા સાવરકુંડલા પાલિકાના કુલ નવ વોર્ડ પૈકી સાત વોર્ડની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. બે અને વોર્ડ નં. આઠમાં હજુ સુધી ઉમેદવારો ફાઈનલ થઈ શકયા નથી, જ્યારે જે સાત વોર્ડમાં જાહેરાત કરવામાં આવી છે.

તેમા ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડમાં તા. ૯-૨ના ફાઈનલ થયેલા નામોમાં જીલ્લા કક્ષાએથી છેલ્લી ઘડીએ ફેરબદલી કરી નામો જાહેર કરવામાં આવતા પક્ષના વફાદાર કાર્યકરોની બાદબાકી થઈ જવા પામતા પક્ષના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે.

શહેર સંગઠનના હોદેદારો દ્વારા હરહંમેશા પક્ષના કાર્યક્રમોમાં પોતાનો સમય ફાળવી પક્ષની સેવા કરતા કાર્યકરોને સ્થાનિક નેતા બનાવવા માટે ગાંધીનગરની પાર્લામેન્ટ્રી બેઠકમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી અને બેઠકમાં તે રજૂઆત સ્વીકારીને તે મુજબ યાદી બનાવવામાં આવેલી પરંતુ બાદમાં અમરેલી જીલ્લા ભાજપ દ્વારા પાર્લામેન્ટ્રી બોર્ડમાંથી આવેલી યાદીમાં ફેરફાર કરી નાખતા શહેર ભાજપ સંગઠનના હોદેદારો - કાર્યકરો સમક્ષ મોં બતાવી શકતા ન હોય સમસમી ઉઠયા છે.

(1:27 pm IST)