Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલ યોજાઇ

પોરબંદર : રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાનને અનુરૂપ તટરક્ષક દળ જિલ્લા હેડકવાર્ટર નંબર ૧ દ્વારા જિલ્લા સ્તરે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ- ૨૦૨૧નાં આયોજન કરવામાં આવ્યું હતું. ઓઇલ પ્રદૂષણની દ્યટનાઓ માટે પ્રતિક્રિયા વ્યવસ્થાતંત્રની પુનઃચકાસણી માટે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાનને વધુ શ્રેષ્ઠ કરવા માટે ભારતીય તટરક્ષક દળને સમર્થ બનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હેડકવાર્ટર નંબર ૧ (ગુજરાત) ના કમાન્ડર ડીઆઇજી એસ.કે. વર્ગીસે આ વર્કશોપનુ ઉદ્ઘાટન કર્યું હતું. પોરબંદરના નાયબ કમિશનર (કસ્ટમ્સ), જામનગરના નાયબ વન સંરક્ષક, ગુજરાત મેરિટાઇમ બોર્ડના બંદરો અને અન્ય ગૌણ બંદરોના અધિકારીઓ, પેટ્રોકેમિકલ ઉદ્યોગોના અધિકારીઓ અને અન્ય હિતધારકોએ ભાગ લીધો હતો. વર્કશોપનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. તબક્કા-૧માં ઓઇલ સ્પિલની ઘટના જેવી જ આભાસી ઘટનાની ટેબલ-ટોપ કવાયત હાથ ધરવામાં આવી હતી જયારે બીજા તબક્કામાં ઓઇલ સ્પિલ એટલે કે ઓઇલ ઢોળાવાની દ્યટનામાં નિયંત્રણ અને ઢોળાયેલા ઓઇલને પાછુ લેવા માટે ઓનબોર્ડ ઉપલબ્ધ ઓઇલ સ્પિલ ઉપકરણોનું પ્રેકિટકલ પ્રદર્શન સમુદ્ર પાવક દ્વારા કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠા વિસ્તારમાં ૭૦૦ ટન ટીઅર-I ઓઇલ ઢોળાઇને ફેલાતું હોવાની જાણ કરવામાં આવી હતી. સહભાગીઓએ આ માટે પગલાં લેવાની કવાયત હાથ ધરી હતી જેમાં ઓઇલ ઢોળાવાના અકસ્માતના કિસ્સામાં દરિયાકાંઠાના રાજય, બંદરોની સુવિધા અને જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ હિતધારકોની કાર્યદક્ષતાની ખાતરી કરવામાં આવી હતી. મોકડ્રીલ યોજાઇ તે તસ્વીર.

(1:30 pm IST)