Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સાવરકુંડલાના ચરખડીયા પુલ પરથી રિક્ષા ખાબકતાં ઓળીયા ગામના દેરાણી-જેઠાણીના મોતઃ ૩ને ઇજા

જેઠાણી રંજનબેન બગડાએ ઘટના સ્થળે અને દેરાણી વર્ષાબેન (દક્ષાબેન)એ રાજકોટમાં દમ તોડ્યોઃ બગડા પરિવારમાં ગમગીનીઃ મજૂરી કરી પરત આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૨: સાવરકુંડલાના ચરખડીયા ગામ નજીક રિક્ષા પલ્ટી મારી પુલ નીચે ખાબકતાં ઓળીયા ગામના વણકર પરિવારના દેરાણી-જેઠાણીના મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જેઠાણીનું  ઘટના સ્થળે જ અને દેરાણીનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયું હતું. મજૂરી કરી રિક્ષામાં સાવરકુંડલાથી પોતાના ગામ આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં પરિવારના એક યુવાન અને બે બાળકો સહિત ચારને ઇજા પણ થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ઓળીયા ગામે રહેતાં વર્ષાબેન (દક્ષાબેન) દેવશીભાઇ બગડા (ઉ.વ.૩૫), તેમના જેઠાણી રંજનબેન ભરતભાઇ બગડા (ઉ.વ.૪૦), તેમનો પુત્ર નિકુલ (ઉ.વ.૨૪), વર્ષાબેનના બે પુત્ર ઉદય (ઉ.૮), પ્રદિપ (ઉ.૬) સહિતના સાવરકુંડલા નજીક ચરખડીયામાં ખેત મજૂરી કરવા ગયા હતાં. ત્યાંથી સાંજે રિક્ષામાં બેસી પરત પોતાના ગામ આવી રહ્યા હતાં એ વખતે રસ્તામાં ચરખડીયા ગામના પુલ પાસે પહોંચતા રિક્ષા પલ્ટી ખાઇ પુલ નીચે ખાબકતાં તમામને ઇજાઓ થઇ હતી.

જેમાં રંજનબેન બગડાનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના દેરાણી, પુત્રો, ભત્રીજા સહિતને ઇજાઓ થતાં અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાંથી દેરાણી વર્ષાબેન (દક્ષાબેન)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જરૂરી કાર્યવાહી કરી કાગળો સાવરકુંડલા પોલીસને મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર રંજનબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. જ્યારે વર્ષાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમના પતિ દેવશીભાઇ ખેતમજૂરી કરવા ઉપરાંત રાત્રે હોમગાર્ડ તરીકે પણ ફરજ બજાવ છે. દેરાણી-જેઠાણી બંનેનો એક સાથે ભોગ લેવાઇ જતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.

સાવરકુંડલાના પ્રતિનિધિ દિપક પાંધીના જણાવ્યા મુજબ આ બનાવમાં પોલીસે ભરતભાઇ હમીરભાઇ બગડાની ફરિયાદ પરથી રિક્ષાચાલક નિકુલ સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

(11:42 am IST)