Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખંભાળિયાઃ પાલિકાની ચૂંટણીમાં ખોટા પુરાવા ઉભા કરી હરીફ દાવેદારનું નામ કમી કરાવી ચૂંટણી લડેલા બસપાના મહિલા ઉમેદવાર અને તેના પતિ વિરૂધ્ધ ગુનો

વોર્ડ નં. ૪માં ભાજપમાંથી દાવેદારી કરનાર મહિલા દાવેદારનું ખોટું વિજબીલ બનાવી નેશનલ વોટર સર્વિસ નામની એપ્લીકેશન મારફત નામ ગ્રામપંચાયતની યાદીમાં ઉમેરી દેવાયુ હતુ : સાઇબર સેલની તપાસમાં ભાંડો ફુટયો

રાજકોટ, તા. ૧ર :  ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં અનુસુચિત જાતીની  વોર્ડ નં.૪ ની બેઠક પર ચૂંટણી લડવા માટે હરીફ દાવેદાર મહિલાનું નામ ખોટા પુરાવા ઉભા કરી મતદાર યાદીમાંથી કમી કરાવી નાખતા વોર્ડ નં. ૪માં ચૂંટણી લડેલા બસપાના મહિલા ઉમેદવાર સેજલબેન કરણભાઇ જોશી તથા તેમના પતિ કરણ વસંતભાઇ જોશી-વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદનોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરીયાદી વાસુભાઇ આલાભાઇ ડોરૂ (ઉ.વ.૩૮) ના એ જણાવ્યું છે કે તાજેતરમં યોજાયેલી ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૪ માં મારા પત્ની ગીતાબેનને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવાની હોય જેની અમે તૈયારી કરતા હતા જેમાં પ્રાથમિક મતદાર યાદી ચેક કરતાં અમારા પરિવારનું બધાનું નામ સરનામું તેમાં હતું જે બાદ પાલિકાના ચૂંટણી અધિકારી દ્વારા આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાંથી મારા માતાનું નામ નિકળી ગયું હતું અને મારા પત્નીનું નામ શિરૂતળાવ હાઉસીંગ બોર્ડની બાજુમાં ગાયત્રીનગરમાં લખેલું હોવાનું જોવા મળ્યું જે શકિતનગર ગ્રામ પંચાયતમાં આવે છે. આથી મારા પત્ની હાર મતદાર યાદીમાંથી નામ કમી કરી દેવામાં આવ્યું હતું. આ અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અરજી પણ કરી હતી જે અરજીના આધારે સાઇબર ક્રાઇમની ટીમે તપાસ કરતા જાણવા મળેલ કે તા. ૧ર-૧ર-ર૦ર૧ ના રોજ મતદાર યાદીમાંથી નામ મો. નં. ૯૭૭૩૭ ૧૧૧૧૧ તથા ૯૯૯૮૮ ૦પ૪પ૬ ના ધારક કરણ વસંતભાઇ જોશી રહે. નાગરપાળો વાળાએ તેમના મોબાઇલ દ્વારા નેશનલ વોટર સર્વિસ નામની એપ્લીકેશનમાંથી લોગીન કરી અમારા નામ સરનામાવાળુ પી જીવીસએલ બીલમાં શિરૂ તળાવ ગાયત્રીનગરનું અપલોડ કરી દીધું હતું. જો કે અમારૃં એક પણ મકાન ત્યાં આવેલ નથી આથી તેમણે પોતાની પત્ની સેજલબેન અનુ. જાતિની હોય અને તેમને વોર્ડ નં. ૪ માં બસપામાંથી ચૂંટણી લડવી હોવાથી મારી પત્ની ઉમેદવારી ન કરી શકે તે માટે મારા નામનું ખોટું વિજબીલ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મતદાર યાદીમાંથી નામ કમી કરાવ્યું છે. પોલીસે વાસુભાઇ ડોરૂની ફરીયાદ પરથી વોર્ડ નં. ૪ ના બસપાના ઉમેદવાર સેજલબે કરણભાઇ જોશી તથા વકિલાતનો વ્યવસાય કરતા તેમના પતિ કરણ વસંતભાઇ જોશી વિરૂધ્ધ આઇપીસી ૪૬પ, ૪૬૬, ૪૬૮, ૪૭૧ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ખંભાળિયા પોલીસ ચલાવી રહી છે.

(12:53 pm IST)