Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અતિવૃષ્ટિથી નુકસાનીનું વળતર ચૂકવવા પાટડી મામલતદાર કચેરી પર ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો

થાળી અને ઢોલ વગાડી સૂત્રોચ્ચાર -ઉગ્ર વિરોધ : ધારાસભ્યની આગેવાની હેઠળ કચેરીમાં ભારે હંગામો

વઢવાણ,તા.૧૨ : પાટડી તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે ખેતરો જળબંબાકાર બની ગયાં હતાં અને ખેડુતોએ વાવેલા પાકો કપાસ, એરંડા, તુવેર, જાર, કઠોળ સહિતના પાકો નાશ પામ્યાં છે અને ખેડુતોને ખુબ જ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે પાટડી મામલતદાર કચેરી ખાતે ખેડુતોના પ્રશ્નો અંગે વળતર ચુકવવાની માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડુતો દ્વારા થાળી તેમજ ઢોલ વગાડી હલ્લાબોલ કર્યો હતો અને નુકશાન અંગે વળતર ચુકવવાની ઉગ્ર માંગ કરી હતી.

 તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે પાટડી તાલુકાના અનેક ગામોના ખેતરોમાં ખેડુતોએ કરેલ કપાસ, એરંડા, તુવેર, જાર, કઠોળ સહિતના પાકોનું ધોવાણ થઈ જતાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી છે.એક તરફ મોંઘુ બીયારણ બીજી તરફ મોંઘુ ડિઝલ બાળી વાવણી કરી હતી અને મોલ જમીનની બહાર નીકળ્યો જ હતો ત્યાં ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરો જળબંબાકાર બની જતાં ખેડુતોને મોટું નુકશાન થયેલ છે અને તાત્કાલીક આ અંગે સર્વે કરી ખેડુતોને વળતર આપવાની માંગ ઉઠવા પામી છે. પાટડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની આગેવાનીમાં ખેડુતોને સાથે રાખી વિજયચોકથી થાળી વગાડી, ઢોલ વગાડી પાટડી મામલતદાર કચેરીએ જઈ કંમ્પાઉન્ડમાં બેસી ગયાં હતાં. ખેડુતોના ન્યાય અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં દસાડા તાલુકામાં થયેલ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાથી પાયમાલ થઈ ચુકયાં છે હજુ પણ કેટલાક ખેતરોમાં પાણી ભરાયેલા છે.

પરંતુ તંત્ર દ્વારા કોઈ સર્વે હાથધરી ધરી વળતર આપવાની પ્રક્રિયા કરવામાં આવી નથી આથી તાત્કાલીક સર્વે કરી ખેડુતોને હેકટર દીઠ રૂ.૨૫,૦૦૦ ચુકવવામાં આવે તેમજ મુખ્યમંત્રી કિશાન સહાય નિયમોમાં ફેરફાર કરી સુધારો કરી ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ પડે તો જ વળતર મળે તેમાં સુધારો કરી ખેડુતોનું નુકશાનીનું સર્વે કરી વળતર ચુકવવાની માંગ કરી હતી. આ તકે સ્થાનિક ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી સહિત પાટડી તાલુકાના અલગ-અલગ ગામોમાંથી ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:26 am IST)