Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પહેલા સંચાલકો અને ટ્રસ્ટીઓએ ના પાડી દીધા બાદ તંત્રએ કાર્યવાહી કરતા હા પાડી

વીરનગર શિવાનંદ મિશન સંચાલીત હોસ્પીટલ કોવીડ-૧૯ માટે સરકાર દ્વારા હસ્તગત

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧૨: કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહયો છે ત્યારે જસદણ તાલુકાના વીરનગર  ખાતે આવેલ શિવાનંદ મિશન સંચાલીત આંખની હોસ્પીટલ કોવીડ-૧૯ માટે સરકારે હસ્તક કરી છે.

આ હોસ્પીટલમાં કોવીડ-૧૯ હોસ્પીટલ કાર્યરત કરવા પહેલા શિવાનંદ મિશન સંચાલીત હોસ્પીટલના ટ્રસ્ટીઓ અને સંચાલકોએ ના પાડી હતી. પરંતુ ત્યાર બાદ તંત્રના કડક આદેશથી સંચાલકો અને ટ્રસ્ટીઓએ હા પાડી દેતા કોવીડ-૧૯ હોસ્પીટલ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આજે બપોરે ૧૧ વાગ્યા આસપાસ જસદણ પ્રાંત અધિકારી શ્રી ગલચર, આટકોટના પીએસઆઇ શ્રી મેતા, તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી બેલીમ, વિરનગરના સરપંચ પરેશભાઇ રાદડીયા સહીતનાએ કોવીડ-૧૯ માટે કામગીરી કરી હતી.

કોવીડ હોસ્પીટલના નિર્માણ માટે નવો ગેઇટ બનાવવા જેસીબી પણ બોલાવીને કામગીરી કરવામાં આવી રહી છે. આંખના દર્દીઓને કોઇ તકલીફ ન પડે તે રીતે તંત્ર અને સંચાલકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત જસદણની સરકારી હોસ્પીટલમાં પણ આગામી બે-ત્રણ દિવસમાં રપ બેડની કોવીડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવામાં આવશે. વિરનગર ખાતે હળવા લક્ષણોવાળા દર્દીઓને દાખલ કરવામાં આવશે. જયારે જસદણ ખાતે ઓકિસજનની જરૂરીયાતવાળા દર્દીઓને રીફર કરાશે.

(11:30 am IST)