Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આજે અને કાલે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘ મહેરની સંભાવના

ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ફરી એકવાર ઓવરફલો થયો : ડેમના વધુ ૨૦ દરવાજા ખોલાયા : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમા ધરોઇ ડેમના ત્રણ દરવાજા ખોલાયા : પાણી છોડવાના નિર્ણયને પગલે નદી કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા

અમદાવાદ તા. ૧૨ : ગુજરાતમાં આજે અને કાલે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ દસ્તક આપી શકે છે. આવતીકાલે ૧૩ સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધી ૧૨૨ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૭૬ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૌથી વધું બનાસકાંઠાનાં તલોદમા ૫ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.

આ ઉપરાંત ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં પણ ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ, રાજયના ૪૨ તાલુકાઓમાં ૧ ઇંચથી લઈને ૫ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. રાજયમાં સવારે ૮ વાગ્યા સુધીમાં માત્ર ૭ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જોકે, આ સાત તાલુકામાં નહિવત જેટલો વરસાદ વરસ્યો છે.

(12:48 pm IST)