Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેતપુરમાં તબીબોની હડતાલ-સમેટાયા બાદ પાલિકાએ નોટીસ પાઠવી ફરી વિવાદ છેડયો : કેબીનેટ મંત્રીનું આશ્વાસન : કોઇ કાર્યવાહી નહિ કરાય

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧ર : શહેરમાં કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પિટલમાં પાલિકા પ્રમુખના દિયરે મનીષ ઉર્ફે મીન્ટો વલ્લભભાઇ અમરેલીયાએ ડોકટર અને સ્ટાફ સાથે ગાળા ગાળી કરી હુમલો કરવાની કોશિસ કરી હોસ્પિટલ બંધ કરાવી મારી નાખવાની ધમકી આપતા તબીબી આલમમાં રોષની લાગણી ફેલાઇ હતી. પોલીસે ડો. સંજય કયાડાની ફરીયાદ પરથી મનીષ ઉપર ગુન્હો નોંધી તેને રાજકોટ કોવિડ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ. તબીબોની સંસ્થા આઇએમએની મીટીંગ બોલાવવામાં આવેલ જેમાં અચોક્કસ મુદતની તમામ તબીબી સેવાની હડતાલનું નક્કી કરાતા તેને મેડીકલ સ્ટોર અને અન્ય જનરલ પ્રેકટીસનો ડેન્ટીસ્ટોએ પણ ટેકો આપી સંપૂર્ણ બંધ પાડેલ.

આ પ્રશ્નનું નીરાકરણ લાવવા ગઇકાલે બપોરે ૧ કલાકે આઇએમએ સાથે મંત્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ રમેશભાઇ ધડુકે મીટીંગ યોજી જેમાં એએસપી સાગર બાગમાર, સીટીપીઆઇ જે.બી. કરમુર સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ જેમાં મંત્રી અને સાંસદની યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા તબીબોએ હડતાલ સમેટી ફરી કામે લાગી ગયા હતાં.

પરંતુ કલાકોની ગણતરીમાં જ પાલિકા દ્વારા ઘણા તબીબોને એક નોટીસ પાઠવાઇ જેમાં બીન અધિકૃત બાંધકામ દિવસ ૭માં તોડી પાડવા અને અધિકૃત હોય તો તેના આધાર રજૂ કરવા ચીફ ઓફીસરે સુચના આપેલ. આ અંગે ચીફ ઓફીસર નવનીત પટેલે જણાવેલ કે મેં આ નોટીસ પ્રમુખની સુચનાથી મોકલેલ છે જેથી ડોકટરોમાં ફરી રોષની લાગણી ફેલાઇ અને આ મુદા અંગે મીટીંગ યોજી આગળની રણનીતિ ઘડવાની તૈયારી ચાલુ હતી ત્યારે મંત્રી જયેશભાઇએ આ નોટીસ અંગે કંઇ કાર્યવાહી નહિ કરવામાં આવે તેવી બાંહેધરી આપેલ છે.

(2:21 pm IST)