Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

પરિણીત યુવતી સાથેના આડા સંબંધમાં ગોંડલના યુવાનની કચ્છમાં હત્યા

પતિ સાથે મળી પત્નીએ સમાધાનના બહાને મળવા બોલાવ્યો અને અંકિત રમણિકભાઈ કાછડનુ ઢીમ ઢાળી દીધું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પરિણીતા સાથે આડા સંબંધોની અદાવતમાં આદિપુરના શિણાય ખાતે ગત રાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટના બાબતે પોલીસે યુવાન દંપતી વિરુધ્ધ કાવતરું રચી હત્યા કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મરણ જનાર મૂળ ગોંડલનો રહેવાસી અંકિત રમણિકભાઈ કાછડ (ઉ.વ. અંદાજે ૩૦) આદિપુરની નજીક આવેલ શિણાય ગામમાં દેના બેન્ક નજીક રહેતો હતો. પાંચ-છ દિવસ અગાઉ નજીકમાં રહેતાં ભાવેશ ધનજી વાણીયા અને તેની પત્ની સંગીતા જોડે તેની બોલાચાલી થયેલી.

આ માથાકૂટ મામલે સમાધાન કરવાના બહાને ગત સાંજે ભાવેશ અને સંગીતાએ તેને સમાધાન કરવા માટે તેમની ગાયોના વાડાએ બોલાવ્યો હતો. અંકિત પીજીવીસીએલની પરીક્ષા આપવા માટે વતન ગોંડલ જ્વા નીકળતો હતો તે પહેલાં તેણે મોટાભાઈ મયૂરને તેની ઑફિસમાં મળીને પોતે વતન જતો હોવાનું કહીને સમાધાન માટે ભાવેશ અને સંગીતાએ તેને બોલાવ્યો હોઈ તેમને મળીને ગોંડલ નીકળી જઈશ તેમ કહ્યું હતું.

મોટાભાઈ મયૂરે ભાવેશ-સંગીતાને નહીં મળવા જણાવ્યું હતું પરંત અંકિત તેની વાતનો કશો જવાબ આપ્યા વગર બાઈક લઈ નીકળી ગયો હતો.

મોડી રાત્રે દસ વાગ્યે મોટા ભાઈ મયૂરનો પરિવાર જમી-પરિવારીને સૂવાની તૈયારી કરતો હતો ત્યારે પોલીસે તેમને અંકિતની હત્યા થઈ ગઈ હોવાની જાણ કરી રામબાગ હોસ્પિટલે બોલાવ્યાં હતા. ભાવેશ અને સંગીતાના વાડામાંથી અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દંપતીએ કાવતરું રચીને અંકિતને સમાધાનના બહાને બોલાવી તેના માથા, પગ સહિતના અંગોમાં હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાની મયૂરે વિરુધ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી દંપતીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:02 am IST)