Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ચુંટણી આવતા ટંકારાવાસીએ નગરપાલિકા બનાવવાની માંગ મજબૂત કરી

તાલુકાના વિકાસના મુદે નેતાઓને આડેહાથ લેશે મતદારો

ટંકારા,તા.૧૨ : છેલ્લા ઘણા સમયથી ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે માંગો ઉઠી રહી છે. ત્‍યારે હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્‍યારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રહીશો મેદાને આવ્‍યા છે અને નગરપાલિકાની માંગ ઉગ્ર બની છે. આ મામલે ટંકારાના રહીશો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
 ટંકારાના રહીશોનું કહેવું છે કે, ટંકારામાં ૧ લાખની વસતી હોવા છતાં સુવિધાના નામે મીંડુ છે. ટંકારાના લોકો મોટા શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. સ્‍થાનિક લોકોનું કહેવું છે કે, ટંકારા વિશ્વ વિખ્‍યાત આર્ય સમાજના સ્‍થાપક મહર્ષિ દયાનંદ સરસ્‍વતીની જન્‍મ ભૂમિ છે. મોરબી સ્‍ટેટનું પાટનગર રહી ચુકેલા ટંકારાએ સહકારી ક્ષેત્રના ભિષમપિતા પણ આપ્‍યા છે. પણ આ જ તાલુકો વિકાસથી તરસી રહ્યો છે. ત્‍યારે ચૂંટણી આવતાં જ રહીશોએ રાજકીય નેતાઓનું નાક દબાવવાની તૈયાર કરી છે અને ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે માંગ ઉગ્ર કરી છે. (જયેશ ભટાસણા, ટંકારા)

 

(11:54 am IST)