Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગોંડલમાં હિન્દી કોમેડી ફિલ્મનું શુટીંગ : કાર્તિક આર્યન, કયારા અડવાણી, સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રિયા પાઠક, રાજપાલ યાદવનું આગમન

૧પ દિવસ સુધી ગોંડલના રીવર સાઇડ પેલેસમાં શુટીંગ થશે : ગત રાત્રીના એક સીનનું શુટીંગ થયુઃ આજે રાત્રે ફરી કાફલો શુટીંગ કરશે

ગોંડલમાં રીવર સાઇટ પેલેસ ખાતે ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ૧રઃ રાજકોટ જીલ્લાના ગોંડલમાં હિન્દી ફિલ્મના શુટીંગનો ગઇકાલ રાત્રીથી પ્રારંભ થયો છે.

સુપ્રસિધ્ધ બોલીવુડ સ્ટાર કાર્તીક આર્યન મોડી સાંજની ફલાઇટમાં મુંબઇથી રાજકોટ ગઇકાલે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટથી ગોંડલ જાતે કાર ડ્રાઇવ કરીને ગોંડલ રવાના થયા હતા. તેમની સાથે અકાદ ડઝન સ્ટાફ પણ આવ્યો છે. કાર્તીક આર્યને ગઇકાલે વિમાનમાં મુસાફરો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે કાર્તીક આર્યન એકદમ ડાઉન ટુ અર્થ બોલીવુડ સ્ટાર છે.

ગોંડલ ખાતે આવેલા રીવર સાઇટ રાજવી પેલેસમાં સેટ ઉભો કરવામાં આવ્યો છે. જયાં ૧પ દિવસ સુધી ફિલ્મ કલાકારો શુટીંગ કરશે. ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવનાર છે. આ ફિલ્મ કોમેડી હોવાનું જાણવા મળ્યું છે.

કાર્તીક આર્યન સાથે અભિનેત્રી કયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી ખુબ જ જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે અને ફિલ્મના શુટીંગ માટે તેઓનું આગમન થયું છે.

ગઇકાલે રાત્રીના શુટીંગ શરૃ થયા બાદ વહેલી સવારના ૪ વાગ્યા સુધી શુટીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમુક કલાકારો રાજકોટ અને અમુક કલાકારો ગોંડલમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું છે.

(2:07 pm IST)