Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સુરેન્‍દ્રનગર -વઢવાણ પાલિકામાં ભાજપના ઉમેદવારોની જાહેરાતમાં નારાજગી : રબારી, મુસ્‍લિમ, જૈન સમાજનો આક્રોશ

ટિકીટ ફાળવણીમાં અન્‍યાય થતા મતદાન બહિષ્‍કારની સોશ્‍યલ મિડીયામાં ચિમકી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૩: સુરેન્‍દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્‍ત નગરપાલિકાની ચૂંટણી ૨૮મી ફેબ્રુઆરીના દિવસે યોજાવા જઇ રહી છે ત્‍યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તે છતાં હજુ સુધી સુરેન્‍દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી બીજી તરફ ભાજપ ઉમેદવારોની જાહેરાત કરી અને હાલમાં ચર્ચામાં આવી ગઈ છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ભાજપ પક્ષ દ્વારા નગરપાલિકા લડનાર ૫૨ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

ત્‍યારે અનેક સમાજના આગેવાનો કાર્યકરો ના પત્તા કાપી નાખવામાં આવ્‍યા હોવાના કારણે ભાજપ પક્ષમાં અનેક સમાજમાં નારાજગી જોવા મળી રહે છે તેને ખાસ કરી લદ્યુમતી સમાજના આગેવાનોને ટિકિટ ફાળવવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્‍યો છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે રબારી સમાજ મુસ્‍લિમ સમાજ જૈન સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરી અને પોતાના કાર્યકરો અને આગેવાનોને ટિકિટ મળે તેવી માગણી કરી હતી ત્‍યારે સતત આખો દિવસ ભાજપ કાર્યાલય ઉપર અનેક સમાજના આગેવાનો નો દ્યસારો રહેતો હોવાના કારણે પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોડી આવ્‍યા હતા તે ઉપરાંત ભાજપના ધારાસભ્‍ય ધનજીભાઇ પટેલ પણ કાર્યાલય ખાતે દોડી આવ્‍યા હતા અને કાર્યકરોને સમજાવવામાં વ્‍યસ્‍ત રહ્યા હતા.

સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારમાં ૬૦૦ કરોડ રૂપિયાના વિકાસનાં કામો કરાવનાર અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અંગત સંબંધ ધરાવનાર બીપીનભાઈ ટોલિયા નગરપાલિકામાં ટિકિટ આપવામાં આવી નથી તેને લઈને જૈન સમાજ લાલદ્યુમ થઇ જવા પામ્‍યો છે.

ત્‍યારે વિપીનભાઈ ટોલિયા ટિકિટ ફાળવણી કરવામાં ન આવતા જૈન સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે મુખ્‍યમંત્રી સુધી દોડી ગયા હતા અને જો જૈન સમાજના આગેવાનોએ ટીકીટ ફાળવવામાં નહીં આવે તો મતદાન બહિષ્‍કારની ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી જવા પામ્‍યો છે.

ત્‍યારે પ્રદેશ ઉપપ્રમુખ દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્‍યો છે કે હાલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલિયા કોરોના ની સારવાર હેઠળ હોય જેને લઇને તેમને ટિકિટ આપવામાં આવી નથી તેવો ખુલાસો કર્યો છે.

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ના પુત્ર પણ ટિકિટ માંગી હતી તેને પણ સાઇડ કરવા નાખવામાં આવ્‍યો છે. ત્‍યારે ઉલ્લેખનીય છે કે હાલમાં પૂર્વ પ્રમુખ અને શહેરી વિસ્‍તારની સકલ બદલનાર વિપીનભાઈ ટોલિયા કે તેમના પરિવારમાંથી કોઈ ને પણ નગરપાલિકામાં ટિકિટ આપવામાં ન આવતા જૈન સમાજ લાલદ્યુમ થઇ જવા પામ્‍યો છે.

(11:48 am IST)