Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ઓટો રીક્ષા ચલાવી આત્‍મસન્‍માન સાથે રોજગારી રળતી ભુજની મહિલાઓ આત્‍મનિર્ભરતાનો રાહ ચીંધે છે

ભુજમાં રિક્ષા ચાલક ૫ મહિલાઓ પરિવારનો ‘ટેકો' બની કહે છે કે, જો ઇરાદો મજબૂત હોય તો કોઇપણ કામ મુશ્‍કેલ નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ‘જે બેનો (બહેનો) બહાર નથી નીકળતા તે આગળ આવે, જેᅠ પોતાની ઇચ્‍છા પ્રમાણે કામ નથી કરી શકતા તે આગળ વધે, આત્‍મનિર્ભર બને.' આ શબ્‍દો આત્‍મવિશ્વાસથી છલોછ્‍લ આત્‍મનિર્ભર બની આર્થિક કમાણી કરતા ૨૩ વર્ષીય રીક્ષાચાલક આશાબેન વાઘેલાના છે.

કચ્‍છના મુખ્‍ય મથક ભુજ શહેરમાં જી.કે. જનરલ હોસ્‍પીટલ ખાતે સામે ભાગે રીક્ષા સવારી સ્‍ટેન્‍ડમાં ઉભેલા આ રીક્ષાચાલક બે વર્ષથી મુસાફરોને તેમના ગંતવ્‍ય સ્‍થાને પહોંચાડી રોજગારી મેળવી રહ્યા છે.

ઘરે બેઠેલા વયો વૃૃદ્ધ માતાપિતાના સંતાન તથા ધોરણ-૮ ભણેલા આશાબેન ફરસાણની દુકાનમાં છુટક કામ કરતા ચાર ભાઇઓને ખભેખભા મિલાવી આર્થિક સહયોગ કરે છે.

‘અમારા સમાજમાં આમ અલગ કામ કરવાની છૂટ નથી પણ મને વગર વ્‍યાજનીᅠ રૂ.૨.૩૦ લાખની લોન મળી અને મારે કોઇને નવુંᅠકરવાની હિંમત મળે એવુ કામ કરવું, આત્‍મનિર્ભર બનવુ એવું નક્કી કરેલુ અને આજે રીક્ષાચલાવીને હું રૂ. ૬૫૦૦નો સંસ્‍થાને હપ્તો ભરૂ છું ને માસિક રૂ. ૧૫ હજારની સુધી કમાઇ લઉ છું.' એમ આશાબેન જણાવે છે.ᅠ

અમને કચ્‍છ મહિલા વિકાસ સંગઠન દ્વારા અમદાવાદની જનવિકાસ સંસ્‍થા દ્વારા રૂ. ૨.૩૦ લાખની વગર વ્‍યાજે લોન આપી રોકડેથી રીક્ષા અપાવી છે. મારી જેમ ભુજમાં ચાંદનીબેન પરમાર, નંદિનીબેન રાજપુત, ચંદ્રિકાબેન લોચા અને અંજારમાં રાખીબેન કોલી પણ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવામાં સહયોગ કરી રહી છે. કોઇપણ આ કામ કરી શકે છે. આનાથી આત્‍મવિશ્વાસ વધે છે અને આત્‍મનિર્ભર થવાય છે.

રસોડાની રાણી કહેવાતી રમણીઓ રોજગારીની રિક્ષા પણ પુરપાટ ચલાવી શકે છે. બસ એમને સખીમંડળ જેવી આવી સંસ્‍થાનો સહારો મળી રહે. બાકી આશા બહેન કહે છે એમ આત્‍મનિર્ભર થવાથી આત્‍મવિશ્વાસ વધે છે. બસ બહાર નીકળો બહેનો....

(10:29 am IST)