Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ભુજમાં સી.આર. પાટીલના હસ્‍તે કચ્‍છ ભાજપના નવા કાર્યાલય ‘કચ્‍છ કમલમ્‌'નું કાલે ભૂમિપૂજન

‘મોદી ઇન કચ્‍છ' પ્રદર્શની, પ્રદેશ મહામંત્રી, સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્‍દ્ર પટેલ, જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, ધારાસભ્‍યો, નગરપતિ ઘનશ્‍યામ રસિકભાઇ ઠક્કર સહિત કચ્‍છ ભાજપના અગ્રણીઓ રહેશે ઉપસ્‍થિત : ભુજમાં સાંસદ વિનોદ ચાવડાની સંસ્‍થા દ્વારા નિર્મિત સમરસ કન્‍યા છાત્રાલયનું લોકાર્પણ અને માંડવી મધ્‍યે કન્‍યા છાત્રાલયની મુલાકાત લેશે પાટીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩ : આવતીકાલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કચ્‍છના પ્રવાસે આવી રહ્યા છે. ત્‍યારે અનેકવિધ કાર્યક્રમો વચ્‍ચે તેઓ ભુજ મઘ્‍યે કચ્‍છ ભાજપના કાર્યાલય ‘કચ્‍છ કમલમ્‌'નું ભૂમિપૂજન કરશે.

આ અંગે ‘અકિલા'ને માહિતી આપતાં કચ્‍છ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે અને શીતલ શાહે જણાવ્‍યું હતું કે, ભુજ મિરઝાપર હાઇવે ઉપર ભગવતી હોટલ નજીક કચ્‍છ ભાજપનું નવું કાર્યાલય ‘કમલમ્‌' આકાર લેશે. કચ્‍છ ભાજપે આ માટે ખરીદેલી ૧૨૦૦ ચોરસવાર જમીન ઉપર ૧૪૦૦૦ ફૂટ બાંધકામ ધરાવતું કાર્યાલય અદ્યતન સુવિધાથી સજ્જ હશે.

સી.આર. પાટીલના હસ્‍તે થનાર ભૂમિપૂજનના આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ ઉપપ્રમુખ મહેન્‍દ્ર પટેલ, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્‍યો, ભુજના નગરપતિ ઘનશ્‍યામ રસિકભાઈ ઠક્કર, ઉપરાંત વિવિધ ચુંટાયેલા હોદ્દેદારો, સંગઠનના પ્રદેશ અગ્રણીઓ, ઉપરાંત સ્‍થાનિક આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહેશે.

જોકે, વિશેષ ખાસ બાબત એ છે કે, સી.આર. પાટીલના હસ્‍તે ‘મોદી ઈન કચ્‍છ' પ્રદર્શનીનું ઉદ્દઘાટન થશે. જેમાં નરેન્‍દ્રભાઈ એ કરેલ કચ્‍છ મુલાકાતના ફોટોગ્રાફ તેમ જ માહિતી હશે. ભુજ કાર્યાલયના ઉદ્દઘાટન બાદ સાંસદ વિનોદ ચાવડાની સંસ્‍થા દ્વારા બનાવાયેલ સમરસ કન્‍યા છાત્રાલય નું લોકાર્પણ કરી સી. આર. પાટીલ માંડવી ખીમજી રામદાસ કન્‍યા છાત્રાલયની મુલાકાત લેશેᅠ ᅠઆ નવા કાર્યાલય માટે કચ્‍છ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ હોઈ આર્થિક સ્‍વભંડોળ સાથે ભારે સહયોગ સાંપડ્‍યો છે.

(12:35 pm IST)