Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વિસાવદરને જોડતી જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ ત્રણ જિલ્લાની મીટરગેજ રેલ્વે લાઇનો બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા પ્રબળ લોકમાંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૩: લોકપ્રશ્ને સતત સક્રિય સંસ્થા 'ટિમ ગબ્બર' ના કે.એચ.ગજેરા (એડવોકેટ,સુરત),નયનભાઈ જોષી (એડવોકેટ,વિસાવદર)એ વડાપ્રધાન,રેલ્વે મંત્રી,ડીવીઝનલ રેલ્વે મેનેજર, ભાવનગર, પશ્ચિમ રેલ્વે વિભાગને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે,ભારત સરકાર તથા રેલવે તંત્ર દ્વારા આશરે ચારેક વર્ષ પહેલાં કહેવાય છે કે, ખીજડિયા-અમરેલી, અમરેલી-વિસાવદર, વિસાવદર-જૂનાગઢ તથા વિસાવદર-વેરાવલની જે ટ્રેનો મીટર ગેજમાં ચાલે છે તેની જગ્યાએ વર્તમાન સરકારે તથા રેલવે તંત્રએ બોર્ડગેજ મંજુર કરેલ છે તે વાત છેલ્લા ચારેક વર્ષથી સાંભળવા મળે છે પરંતુ આજદિન સુધી આ અંગેની કોઈ કાર્યવાહી થયેલ હોય તેવું ધ્યાનમાં આવેલ નથી.જો મીટર ગેજને બદલે બોર્ડગેજ કરવામાં આવે તો ત્રણથી ચાર જિલ્લાના લોકોને ખૂબ જ ઉપયોગી સુવિધા પ્રાપ્ય થાય તેમ છે. સુપ્રસિદ્ઘ બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ જયોતિલિગ એવા સોમનાથદાદાના દર્શનનો લાભ પ્રજાને વધુમાં વધુ મળે ઉપરાંત લાંબા અંતર ની ટ્રેનોનો લાભ અને સાસણ તથા દિવ આવતા પર્યટકોને તથા દેશ વિદેશથી આવતા લોકોને પણ લાભ મળે તેમ છે. આ ઉપરાંત જૂનાગઢ દત અને દાતારની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અહીં વર્ષમાં બે વાર શિવરાત્રી અને લીલીપરિક્રમાં કરવા લોકો દેશ વિદેશમાંથી આવે છે ઉપરાંત નરસિંહ મહેતાની ભૂમિ,ભવનાથ,સૌથી મોટું રોપવે ઉપરાંત અનેક જોવાલાયક અને ફરવા લાયક સ્થળો જૂનાગઢ ખાતે આવેલ છે. અહીં આવતા પ્રવાસીઓ પણ પોતાના મનોરંજન માટે ગીર જંગલમાંથી પસાર થતી જૂનાગઢથી વિસાવદર તરફ જતી ટ્રેનોમાંજ મુસાફરી કરવાનું પસંદ કરે છે. સરકાર દ્વારા ગીર અભ્યારણ અને ધાર્મિક સ્થળોના પ્રચાર કરી જે જાહેરાતો કરવામાં આવેલ છે તે તમામ લોકોને આ સુંદર સ્થળોએ આવવા જવાનો તથા હરવા ફરવાનો લાભ મળે ઉપરાંત આ બોર્ડગેજ કરવાથી ત્રણ જિલ્લાની પ્રજાના સરકારને આશીર્વાદ મળે તેમ છે પરંતુ કમનસીબે જાહેરાત થયાને ઘણો સમય થવા છતાં આ કામગીરી આજદિન સુધી કેટલી પ્રગતિમાં છે તેની કોઈ જાણ નથી..જેથી 'નાગરિક અધિકાર પત્ર' અન્વયેત્વરીત કાર્યવાહી કરવા ધારાશાસ્ત્રી નયનભાઈ જોષીએ જણાવ્યું છે.

(11:27 am IST)