Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

હનુમાનજી માટે વાઘા સાડા છ કરોડ રૂપિયાના

સુવર્ણ વાઘામાં ૮ કિલો ગોલ્ડ ઉપરાંત રિયલ ડાયમન્ડ, એમરલ્ડ સ્ટોન, રિયલ રૂબી જડેલા છેઃ સારંગપુર મંદિરમાં આવું પહેલી વાર બનશે

સારંગપુર, તા.૧૩: વિશ્વપ્રસિદ્ઘ યાત્રાધામ સારંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનદાદાને કાળી ચૌદસે ૮ કિલો સોનામાંથી તૈયાર કરાયેલા અંદાજે સાડાછ કરોડની કિંમતના સુવર્ણ વાઘા અર્પણ થશે. હનુમાનદાદાને અર્પણ થનારા આ ડિઝાઇનર સુવર્ણ વાઘામાં ખાલી મુગટમાં જ એક કરોડ રૂપિયાના હીરા જડવામાં આવ્યા છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ  કહ્યું કે 'મંદિરમાં આવું પહેલી વાર બનશે કે સુવર્ણ વાઘા હનુમાનદાદાને અર્પણ થશે. આઠ કિલો સોનામાંથી હનુમાનજી માટે સુવર્ણ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. ૫૧ રૂપિયા કે પછી એક કરોડની સેવા કરી હોય એવા હરિભકતોનો ભાવ પૂર્ણ થયો છે. આ વાદ્યાની અંદાજિત કિંમત સાડાછ કરોડ રૂપિયા જેટલી થાય છે.' સુવર્ણ વાઘામાં અર્વાચીન અને પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે, જેમાં રિયલ ડાયમન્ડ, એમરલ્ડ સ્ટોન અને રિયલ રૂબી જડવામાં આવ્યા છે. વાઘા પર થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઇન્ટિંગ મીણો તેમ જ ફિલીગ્રી વર્ક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોરોસ્કી અને રિયલ મોતી જડેલું આ એન્ટિક વર્ક છે. આ વાઘા તૈયાર કરવામાં એક વર્ષ લાગ્યું છે. ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળીને ૧૦૦ જેટલા સોનીઓએ આ વાઘા માટે કામ કર્યું છે. વાઘા તૈયાર કરવામાં આશરે ૧૦૫૦ કલાક લાગ્યા છે. વાઘાની ડિઝાઇન માટે ડિઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી અને ઘણી બધી ડિઝાઇન તૈયાર થયા બાદ સંતોના માર્ગદર્શનમાં ફાઇનલ ડિઝાઇન તૈયાર કરાઈ હતી. ૧૪ નવેમ્બરે શનિવારે કાળીચૌદસના રોજ સુવર્ણ વાદ્યા અર્પણવિધિ યોજાશે. આ પ્રસંગે વાઘાપૂજન, વાઘાઆરતી અને સમૂહયજ્ઞ યોજાશે. આ ઉપરાંત ચોપડાપૂજન તથા લક્ષ્મીપૂજન થશે અને સાંજે દીપોત્સવ યોજાશે.

(9:58 am IST)