Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વાંકાનેર સિટી સ્ટેશન રોડ ઉપર મોટર સાયકલ સ્લીપ થતા ૨ યુવકોને ઈજા

રસ્તા ઉપર ડિવાઈડરના ખાડા ઉંડા હોવાથી વારંવાર અકસ્માત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૩ :. સિટી સ્ટેશન રોડ પર ચાવડા અભિષેક (૧૮ વર્ષ) અને રવિકુમાર મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે ડીવાઈડરમા સ્લીપ થતા બન્નેને ફ્રેકચર સહિતની ઈજાઓ થતા બન્નેને ડો. માણસીયા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની તપાસ હેડ કોન્સ. પરજીતભાઈ ચલાવી રહ્યા છે.

મળતી વિગત મુજબ સિટી સ્ટેશન રોડ પર ગ્રીનચોકથી હાઈવે પૂલ સુધી વચ્ચે બનાવાયેલ ડીવાઈડર ચારેક ફુટ ઉંડા છે. આ ડીવાઈડરના ખાડા છેલ્લા ચાર માસથી ખુલ્લા પડેલા હોય અનેક વાહન ચાલકો અને રાહદારીને જોખમ સાબિત થયા છે. વળી ટ્રાફીક સમસ્યા ગંભીર હોય, ઉપરાંત ગ્રીનચોક જેવા ભરચક્ક વિસ્તારમાં ડીવાઈડર વચ્ચે તેમજ ચોક વચ્ચે વાહનો તથા રેંકડી તથા પાથરણાવાળા ચોક વચ્ચે વેપાર કરતા હોય, ટ્રાફીક સમસ્યા અનેક રજુઆતો છતા થાળે પડતી જોવા મળતી નથી.

જ્યારે નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ કોરોના પોઝીટીવ હોય જે રજા પર ઉતરી જતા અનેક કામો ખોરંભે પડયા હોવાની ચર્ચાઓ લોકમુખે સંભળાતી જોવા મળે છે.

(11:25 am IST)