Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગોપીનાથ મહાદેવ મંદિર ગ્રામજનો દ્વારા દાત્રાણામાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇને શ્રધ્ધાંજલી અર્પીત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું તાજેતરમાં જ અવસાન થતા મહાત્મા ગાંધીજીના મોસાળ એવા પ્રગતિશીલ ગામ દાત્રાણા ખાતે તેમને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લઇને સ્વ. કેશુભાઇ પટેલના સંસ્મરણો વાગોળ્યા હતા.

મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ગોપીનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનોના ઉપક્રમકે યોજાયેલા આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં હરસુખભાઇ વઘાસિયાએ જણાવ્યું હતુ કે, કેશુબાપા ફકત એક લેઉવા પટેલ જ્ઞાતિના જ નહીં પરંતુ તમામ જ્ઞાતિ-જાતિ, દરેક સમાજ, ખેડૂત, વેપારીઓ તમામ લોકોના સર્વમાન્ય નેતા હા. સમાજના નાના -મોટા તમામ વર્ગના લોકોના કામ તેમણે કર્યા છે.

શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ખિમજીભાઇ પાનસુરીયા, ભાજપ અગ્રણી હમીરભાઇ માડમ, જિલ્લા પંચાયતના સભ્ય ધીરૂભાઇ કુંભાણી, અગ્રણી મહેન્દ્રગીરીબાપુ, ગામના સરપંચ વિઠ્ઠલભાઇ, લેઉવા પટેલ સમાજના અગ્રણી વેલજીભાઇ વઘાસિયા અને મનુભાઇ વઘાસિયાઘ, વેજાણંદભાઇ, રમેશભાઇ ગોહિલ, શંભુભાઇ કાપડિયા, ગોરધનભાઇ રાણોલિયા, પપ્પુભાઇ ઢોલા વગેરેએ હાજર રહી. સ્વ.કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયા દ્વારા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના માધ્યમથી દાતાઓના સહયોગથી સ્વ.કેશુબાપાને શ્રધ્ધાંજલિ અર્પણ્ કરવાના ભાગરૂપણે ૧૧ સર્વજ્ઞાતિય બહેનોને રોજગારીનું માધ્યમ સિલાઇ મશીન અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઇ વઘાસિયા, જીતુભાઇ વઘાસિયા તેમજ ગામના યુવાનો અને સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(12:39 pm IST)