Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરેન્દ્રનગરના માલવણ હાઇ-વે ઉપર પોલીસ અને ગેડિયા ગેંગ વચ્ચે ફાયરીંગ : એક ઝડપાયો : એક નાશી છુટ્યો

કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો ફિલ્મી દૃશ્યો સર્જાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ : માલવણ હાઇવે પર પોલીસ અને બુટલેગર વચ્ચે સામસામે ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.આજે ધનતેરસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધનતેરસનું મુહૂર્ત ફાયરિંગથી થયું છે તેમ કહી શકાય.

મળતી માહિતી પ્રમાણે હાઇવે ઉપર ચાલુ વાહનો એ ચોરી કરનાર ગેંગની વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે માલવણ પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષ તરફથી ફાયરિંગ થયું હતું.માલવણ હાઇવે પર જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર તરફથી પોલીસની જીપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં બુટલેગરો પોલીસની જીપ સાથે કાર અથડાવીને ભાગી ગયા હતા.

બુટલેગરો કાર લઈને નાશી છૂટતા પોલીસે પણ તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરો કાર મૂકીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે બુટલેગરોને પકડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક બુટલેગરના પગ પર ગોળી વાગતા તે ઝડપાઈ ગયો હતો.

ઘાયલ બુટલેગરને હાલ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કાઙ્ખલેજ હાઙ્ખસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અહીં કોરોના ટેસ્ટ બાદ પોલીસ તેની વિધિવત રીતે ધરપકડ કરશે. આ સાથે જ પોલીસે કાર સહિત દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. એવી પણ માહિતી મળી છે કે કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યકિત ભાગવામાં સફળ રહ્યો છે.

(3:22 pm IST)