Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કચ્છમાં પાકિસ્તાની બોટમાંથી ૨૮૦ કરોડનું હેરોઈન ઝડપાવાના ગુનામાં ATSએ વધુ બે અફઘાની સહિત ત્રણની ધરપકડ કરી

ભુજ કોર્ટ દ્વારા ૧૦ દિ'ના રિમાન્ડ, કુલ ૧૬ ની ધરપકડ, ૯ પાકિસ્તાની, ૩ અફઘાની, ૪ ભારતીય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪

 ૨૬ એપ્રિલ ૨૦૨૨ના રોજ ૨૮૦ કરોડનું ૫૬ કિલો હેરોઈન ડિલિવર કરવા આવતાં જખૌ પાસેથી ઝડપાયેલી પાકિસ્તાની બોટના પ્રકરણમાં ATSએ આજે વધુ બે અફઘાનિસ્તાની મળી ત્રણ આરોપીને ભુજ કોર્ટમાં રજૂ કરી ૧૦ દિ'ના રિમાન્ડ પર લીધાં છે.

ATSએ અગાઉ ૨૭ મેના રોજ ડ્રગ્સકાંડના સૂત્રધાર દિલ્હીના રાઝી હૈદર અમાનત અલી હૈદર ઝૈદી અને મોહમ્મદ ઈમરાન મોહમ્મદ આમીર ફારૂકીની વિધિવત્ ધરપકડ કરી હતી.

બોટ પકડાઈ તે સમયે રાઝીના ડ્રગ્સ નેટવર્કનો વહીવટ કરતાં અવતારસિંહ ઊર્ફે સન્ની કુલદીપસિંહ સંધુ અને અફઘાની નાગરિક અબ્દુલ રબ અબ્દુલ ખાલેક કાકડની ધરપકડ કરી હતી.

આ કેસમાં ૯ પાકિસ્તાની, ૩ અફઘાનિસ્તાની અને ૪ ભારતીય મળી ATS દ્વારા ધરપકડ થયેલાં આરોપીનો આંકડો ૧૬ પર પહોચ્યો છે. ભુજની વિશેષ NDPS કૉર્ટમાં ખારી હમીદુલ્લા S/o યુસુફ ઊર્ફે યુસુફી (ઉ.વ. ૪૪), મોહમ્મદ હકીમ સલીમી S/o દૌલત સલીમ (ઉ.વ. ૪૬) (રહે. મૂળ બાદાક્સાન, અફઘાનિસ્તાન) અને ઉત્તરાખંડના ન્યૂ ટીહરીના અઝીમ એહમદ S/o તન્વીર એહમદ (ઉ.વ. ૪૫)ને રજૂ કર્યાં હતા. અગાઉ પકડાયેલાં રાઝી, મોહમ્મદ ઈમરાન, અવતારસિંહ અને અબ્દુલ ખાલેકની પૂછતાછમાં આ ત્રણની સંડોવણી ખૂલી હતી. ત્રણે પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરૉનો એક અન્ય કેસ ચાલે છે. ખારી હમીદુલ્લા અને મોહમ્મદ હકીમ બેઉ દિલ્હીની રોહિણી જેલમાં અને અઝીમ તિહાર જેલમાં જ્યુ. કસ્ટડીમાં હતા. ત્રણેનો ટ્રાન્ઝીટ વૉરન્ટ પર કબ્જો મેળવી ભુજ કૉર્ટમાં રજૂ કરાયાં હતા.

ખારી હમીદુલ્લા અને મોહમ્મદ હકીમ બેઉ સૂત્રધાર રાઝીના માણસો છે. બેઉ જણ ભારતમાં ઘૂસાડાયેલાં હેરોઈનના શુધ્ધિકરણની પ્રક્રિયા કરી તેને પાઉડર સ્વરૂપે ફેરવતાં હતા. અગાઉ પકડાયેલો અબ્દુલ ખાલેક તેમને મદદ કરતો હતો. જ્યારે, અઝીમ એહમદ પાકિસ્તાનથી ડ્રગ્ઝ મોકલનાર કરાચીના મુસ્તફા અયુબ મિંયાણાનો નિકટનો સંબંધી છે.

પાકિસ્તાની બોટમાંથી ૨૮૦ કરોડનું ૫૬ કિલો હેરોઈન જપ્ત થયાં બાદ દિલ્હીમાં રાઝીના ગોડાઉનમાં દરોડા સમયે વધુ ૭૭૨ કરોડ ૪૭ લાખ ૫૦ હજારનું ૧૫૫ કિલો હેરોઈન મળી આવ્યું હતું. આમ, ૧ હજા૨ ૫૨ કરોડનું હેરોઈન મોકલનાર શખ્સનો ભારતમાં અન્ય કોની સાથે સંપર્ક છે, અગાઉ ક્યારે ક્યારે ડ્રગ્ઝ મોકલાયેલું છે, ઝડપાયેલાં અફઘાનીઓ હેરોઈનને પ્રોસેસ કરવા ઉપરાંત અન્ય કોઈ ભૂમિકા ભજવતાં હતા કે કેમ, ડ્રગ્સના કારોબાર થકી ભારતમાં નાર્કો ટેરરિઝમ ફેલાવવામાં કયા આતંકી સંગઠનો સામેલ છે, માલ ભારત ઉપરાંત વિદેશમાં ક્યાં અને કેવી રીતે મોકલાતો હતો વગેરે બાબતો અંગે વિગતો મેળવવાની બાકી હોવાના ગ્રાઉન્ડ ૫૨ ATSના વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ત્રણે આરોપીના ૧૪ દિવસના રીમાન્ડ માગ્યા હતા. NDPS કૉર્ટના જજ ચિરાગ શાહે ત્રણેના ૧૦ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

(10:27 am IST)