Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જેતપુરમાં ‘એરેસ્‍ટ નૂપુર શર્મા' લખેલા પોસ્‍ટર રસ્‍તા પર લગાડનાર ૬ શખ્‍સોની ધરપકડ

પોસ્‍ટ લગાડવામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ પણ સામેલ : પોસ્‍ટર પ્રિન્‍ટ કરનારની પણ પૂછતાછ

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સો અને પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : કેતન ઓઝા, જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૪ : જેતપુરમાં એરેસ્‍ટ નૂપુર શર્મા લખેલા પોસ્‍ટર રસ્‍તા પર ચોંટાડનાર ૬ શખ્‍સોની પોલીસે ધરપકડ કરી છે.

ભાજપના પૂર્વ પ્રવક્‍તા નૂપુર શર્મા દ્વારા મહમ્‍મદ પયગંબર વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્‍પણી બાદ દેશ અને ગુજરાતમાં પણ અનેક જગ્‍યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. ત્‍યારે શહેરમાં પણ નૂપુર શર્મા એરેસ્‍ટના પોસ્‍ટર રોડ ઉપર લાગતા વાતારણ ગરમાયું હતું.મુખ્‍ય વાતતો એ છે કે આ બને ચોકમાં રાત્રીના પોલીસ બંદોબસ્‍ત પણ રહેતો હોય છે તેમજ જેતપુર સિટી પોલીસ સ્‍ટેશનની ૧૦૦ મીટર નાં અંતરમાં જ આ પોસ્‍ટર લાગ્‍યા તેમજ બને ચોકમાં અસમાજિક તત્‍વો ઉપર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવેલ હોઈ જેમનુ મોનીટરીંગ પોલીસ મથકે થતું હોય તેમ છતાં શાંતિ પ્રિય શહેરમાં શાંતિમાં પલીતો શિપવાનો હિનન પ્રયાસ થતાં પોસ્‍ટરને લઈને પોલીસ એક્‍ટિવ હતી અને શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર અજાણ્‍યા છ શખ્‍સો સામે મહેશભાઇ દેવશીભાઇ ડોબરીયાએ ગુનો નોંધાવતા સીટી પોલીસે પોસ્‍ટર લગાડનાર હુસેનમિયા રસુલમિયાં હાશ્‍મી, મુખ્‍તાર હુસેનભાઇ મુસાણી, નવાઝ હુસેન વાડીવાલા, ફરીદ કાસમભાઈ કપડવંજી, ઇરફાનભાઇ અંબુભાઈ મુસાણી, ફારુક અબ્‍દુલભાઇ મુસાણી તમામ રહે જેતપુર વાળાની ધરપકડ કરી આઈપીસી કલમ ૫૦૪,૧૫૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ભાજપના લઘુમતી મોરચામાં ઉપપ્રમુખના હોદો ધરાવતા મુખ્‍તાર હુસેનભાઇ મુસાણી પણ પોસ્‍ટર લગડવામા સામેલ હોવાનું સામે આવ્‍યું હતું. આ પોસ્‍ટર પ્રિન્‍ટ કરનારની પણ પોલીસે પૂછતાછ હાથ ધરી છે.

(1:35 pm IST)