Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જુનાગઢમાં શિક્ષકને ચમત્‍કારી બાબાની ઓળખ આપી બે શખ્‍સો રૂા.૬૩ હજારના દાગીના પડાવી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪  : જુનાગઢમાં એક શિક્ષકને બે શખ્‍સો ચમત્‍કારી બાબાની ઓળખ આપી અને રૂા.૬૩ હજારનાં સોનાના દાગીના પડાવી  લઇ કારમાં નાસી જતા સનસની મચી ગઇ હતી.

જુનાગઢનાં મધુરમ વિસ્‍તારમાં આવેલ સુદામા પાર્કમાં બે માં રહેતા આસી. શિક્ષક અરજણભાઇ લખમણભાઇ હુણ ગત તા.૮ જુનના રોજ સાંજના અરસામાં જુનાગઢ નખજીક ખામધ્રોળ ચોકડી પાસેથી મોટર સાયકલ ઉપર બેસીને પસાર થતા હતા.

ત્‍યારે નંબર વગરની નિશાન કારના ચાલકે હાથના ઇશારે અરજણભાઇને રોકી ક્‍ષ્‍નિા ફાર્મ હાઉસ સુખપુરનુ સરનામુ પુછવાના બહાને વાતચીત કરીહતી.

આ દરમિયાન કારના ડ્રાઇવરે અરજણભાઇને કારમાં બેઠેલા કપડા વગરના માણસની ઉજજૈનમાં ચમત્‍કારીક બાબા હોવાની ઓળખ આપી બાબાના દર્શન કરવાનું કહેલ.

આથી અરજણભાઇ બાબા પાસે દર્શન કરવા જતાં કહેવાતા બાબાએ અરજણભાઇએ પહેરેલ સોનાની વીટી તથા ચેન માંગી પવિત્ર અને ચમત્‍કારીક બનાવી દેવાનુ કહેતા અરજણભાઇએ પોતાના રૂા.૬૩ હજારની કિંમતના સોનાના દાગીના આપ્‍યા હતા.

પરંતુ ચમત્‍કારીક બાબાએ દાગીના પરત કરવાને બદલે આ બાબા અને ડ્રાઇવર કારમાં બેસીને કાર ભગાવીને નાસી ગયા હતા.

આમ શિક્ષક અરજણભાઇ હુણ મુર્ખ બનતા તેમણે સોમવારની રાત્રે ફરિયાદ નોંધાવતા જુનાગઢ તાલુકા પોલીસે ૩૦ થી ૩પ વર્ષની વયનો અજાણ્‍યો કાર ચાલક અને ૪૦ થી ૪પ વર્ષનો કપડા વગરનાં બાબા સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એએસઆઇ એન.એસ.મુસાર ચલાવી રહયા છે.

(1:39 pm IST)