Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

દ્વારકા મંદિર ઉપર વિજળી પડવાની ઘટના મુદ્દે પુજારી પ્રવણ ઠાકરે કહ્યુ, આ આસ્‍થાની બાબત તો છે જ સાથોસાથ વૈજ્ઞાનિક બાબત પણ છે

દેવભૂમિ દ્વારકા: સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મેઘાડંબરના કારણે વિજળીના કડાકા અને ભડાકા જોવા મળી રહ્યા છે. દરમિયાન દ્વારકાધીશ શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી. જેમાં ધ્વજા ખંડિત થાય છે. ધ્વજા વિજળી પડવાનાં કારણે ફાટી જાય છે. આ વીડિયો હાલ SOCIAL MEDIA પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે નોંધીય છે કે, દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ છે. 1965 માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને હૂમલાનો પ્રયાસ કર્યો ત્યારે દ્વારકામાં એક પણ બોમ્બ ફૂટ્યો નહોતો. ત્યાર બાદ 1998માં કંડલામાં આવેલા વાવાઝોડામાં કંડલા અને જામનગરમાં ભારે નુકસાન થયું હતુ પરંતુ દ્વારકામાં મોટુ નુકસાન આવ્યું નહોતું. 2001માં ધરતીકંપમાં પણ કચ્છમાં ભારે તારાજી સર્જાઇ હતી પરંતુ દ્વારકામાં એવું મોટુ ખાસ નુકસાન નોંધાયું નહોતું. આ માત્ર અને માત્ર દ્વારકાધીશના કારણે જ શક્ય બન્યું હોવાનું સ્થાનિકોની આસ્થા છે.

જો કે વિજળી ઘટના અંગે દ્વારકાના પુજારી પ્રણવ ઠાકરે જણાવ્યું કે, આ આસ્થાની બાબત તો છે જ દ્વારકા પર આવી પડેલી આફત દ્વારકાધીશે પોતાના માથે લઇ લીધી છે. પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક બાબત પણ છે કે મંદિરથી ઉંચુ શીખર કે બિલ્ડિંગ સમગ્ર દ્વારકામાં નથી. આ ઉપરાંત મંદિર પર લોખંડનો ધજા માટેનો વિશાળ દંડ છે આ ઉપરાંત પંચધાતુનો લોટો પણ છે જેના કારણે વિજળી શિખર તરફ આકર્ષાય તે વૈજ્ઞાનિક નિયમ છે. તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પહેલાથી જ વિજળી પડે તેવી સ્થિતિમાં વિજળી જમીન માં ઉતરી જાય તે માટે અર્થિંગ વાયરની વ્યવસ્થા કરી છે. આજે વિજળી જેવી મંદિર પર પડી તે સાથે જ તે જમીનમાં ઉતરી ગઇ હતી. જો કે હજારો વોટની વિજળી મંદિર પર પડી ત્યારે ધજા સામાન્ય ફાટી ગઇ હતી. આ શ્રદ્ધાની વાત પણ છે સાથે સાથે વૈજ્ઞાનિક વાત પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેદારનાથ દુર્ઘટના સમયે પણ આવુ જ થયું હતું. જ્યારે કેદારનાથમાં 2013માં પુર આવ્યું ત્યારે ભારે ખુંવારી સર્જાઇ હતી. જો કે તે સમયે એક પથ્થર કુદરતી રીતે મંદિરની પાછળ ગોઠવાઇ ગયો હતો. જેના કારણે મોટાને મોટા હાથી તાણી જાય તેવા ધસમસતા પાણી વચ્ચે મંદિરની કાંકરી પણ ખરી નહોતી. આસપાસની તમામ દુકાનો અને મકાનો તણાઇ ગયા હતા. જો કે મંદિરમાંથી કાંકરી પણ ખરી નહોતી. હાલ તો દ્વારકા મંદિરમાં વિજળી પડવા અંગે લોકો પોતપોતાની શ્રદ્ધા અનુસાર અર્થ કરી રહ્યા છે. તોકતે વાવાઝોડા દરમિયાન જે ધજા અડગ રહી તે વિજળી પડવાના કારણે ફાટી ગઇ હતી.

(5:03 pm IST)