Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

૭ દિવસ સુધી ભાવનગરને મળશે વિકાસના વિવિધ પ્રકલ્પો : વિકાસ સપ્તાહનું આયોજન

ભાવનગર તા.૧૪ : શહેરને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત ૭ દિવસ સુદ્યી લોક સુવિધાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વગેરે જેવા આયોજન હાથ ધરવામાં આવનાર છે. વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે રાજયમંત્રીશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી ભરત નગરની ભાગ્યોદય સોસાયટી તથા રક્ષેશ્વર મંદિર પાસે નિર્માણ પામનારી બે અદ્યતન આંગણવાડીનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા પૂર્વ ઝોન હેઠળ આવતી ૧૭૨ આંગણવાડીઓના બાળકો માટે પ્રત્યેક આંગણવાડી દીઠ સ્ટેનલેશ સ્ટીલની ૨૫ ડિશ-ચમચીના કુલ ૪,૩૭૫ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની હરણફાળ ભરી અને દેશ દુનિયામાં ગુજરાત મોડલને ગુંજતું કર્યું. એ રાહે ભાવનગર શહેરમાં પણ વિકાસના કામો લોકો સુદ્યી પહોંચતા કરવા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડીમા આવતા બાળકો મોટાભાગે વંચિત અને જરૂરિયાતમંદ હોય છે ત્યારે સરકાર દ્વારા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી માત્ર આંગણવાડીના બાળકો જ નહીં પરંતુ તમામ સગર્ભા તથા ધાત્રીમાતાઓના પોષણની જવાબદારી પણ સરકાર સુપેરે નિભાવી રહી છે. તાજેતરમાં અમલમાં મુકાયેલ નવી શિક્ષણનીતિમાં પણ ૩ થી ૬ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

નવનિર્મિત આંગણવાડી વિશે માહિતી આપતા રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મોર્ડન આંગણવાડી અન્ય આંગણવાડી કરતા ક્ષેત્રફળમાં મોટી હશે. જેમાં હોલ ટાઈપ એક રૂમ, કિચન, સ્ટોર, વોશિંગ સ્પેશ, કવર્ડ વરંડા, ષ્.ઘ્., રેમ્પ, પ્લે ગ્રાઉન્ડ, કંપાઉન્ડ વોલ, અન્ડર ગ્રાઉન્ડ ટાંકો, ઓવરહેડ ટાંકો તેમજ લાઈટ સહિતની આધુનિક સુવિધાઓ થકી બાળકોને સુલભ બને તેવું વાતાવરણ ઉભું કરવામા આવશે.

રાજયમંત્રીશ્રી દ્વારા રેડિયો સમાચારની પણ નવી પહેલ કરવામાં આવી છે. જેમાં વિકાસના વિવિધ કામો અને યોજનાઓની જાણકારી પૂરી પાડવામાં આવશે. સુશ્રી વિભાવરીબેન દવેના ફેસબુક પેજ પરથી આ રેડિયો પ્રસારણ સાંભળી શકાશે.

આ તકે મંત્રીશ્રીએ મહિલા અને બાળ કલ્યાણને લાગતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. સરકારશ્રી દ્વારા અમલમાં લવાયેલ ભુમાફિયાઓ તથા ગુંડાઓને કાં ગુજરાત છોડવું પડે અથવા ગુંડાગીરી છોડવી પડે તેવા સખત કાયદાને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે કાયદા થકી ગુજરાત વધુ શાંત, સલામત અને સુરક્ષિત બનશે.

આ પ્રસંગે મેયર શ્રી મનહરભાઈ મોરી તથા મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી એમ.એ.ગાંધીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી સાવિત્રીબેન નાથ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરાઈ હતી. કાર્યક્રમના અંતે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત સૌને પોષણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ મેયર શ્રીમતી નિમુબહેન બાંભણીયા, મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી ગોહિલ, સીટી એન્જિીનયરશ્રી ચાંદારાણા, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, આંગણવાડી તેડાગર કાર્યકર બહેનો તથા સુપરવાઈઝર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:48 am IST)