Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભાવનગરમાં ૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનાર આઉટર રીંગ રોડ પાર્ટ-૨નું ખાતમુહૂર્ત

ભાવનગર, તા.૧૪: રાજયમંત્રી વિભાવરીબેન દવે દ્વારા ભાવનગરના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો હાથ ધરી વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ત્રીજા દિવસે રાજયમંત્રીશ્રી દ્વારા ભાવનગર શહેરને ફરતા નિર્માણાધિન રીંગ રોડના ૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનારા પાર્ટ ઓફ રીંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રીંગ રોડ નિર્માણની પ્રક્રિયા ખૂબ જ જટીલ હતી. જમીન સંપાદન, મંજુર થયેલ મકાનોના એલોટમેન્ટ બદલવા અને દબાણો સહિતના પ્રશ્નો નડતરરૂપ હતા ત્યારે સરકાર દ્વારા તમામ પ્રશ્નોનુ સુખદ નિરાકરણ લાવી ઓછા ખર્ચે ઝડપી કામગીરી થાય તેવું નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું. માત્ર રીંગ રોડ જ નહિ પરંતુ ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. સરકાર દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ૬૦૦ કરોડથી વધુની રકમ ભાવનગરને ફાળવવામાં આવી છે.

નિર્માણાધિન રીંગ રોડ વિશે વિસ્તૃત માહિતી આપતા રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હાલ ૬.૧૬ કિ.મી.ના ફોરલેન રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૨૩.૬૩ કિ.મી.ની ફોરલેનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જયારે ૪.૫૮ કિ.મી.ની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ૧૬.૮૫ કિ.મી.ને ટુ લેન માંથી ફોર લેન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જાસલિયા તથા શ્રી રાજેશભાઈ જોષીએ ઉદબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ પૂર્વ મેયર શ્રીમતી નિમુબહેન બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણ, બાંધકામ કમિટીના ચેરમેન શ્રી ઉર્મિલાબેન ભાલ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:59 am IST)