Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ખંભાળિયા નજીક બુલેટ તથા ટ્રક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

જામખંભાળિયા,તા.૧૪ : સમોર ગામે રહેતા રાજશીભાઇ માંડણભાઇ ચાવડા નામના ૩૭ વર્ષના યુવાન શનિવારે રાત્રે નવેક વાગ્યે પોતાના જી.જે.૩૭એચ. ૯૪૬૩ નંબરના મોટરસાયકલ ઉપર થઇ રહ્યા હતા. ત્યારે તેણે રોંગ સાઇડમાં પોતાનું વાહન બેફિકરાઇપૂર્વ ચલાવી અને આ માર્ગ પર જતા જી.જે.૧૨એક્ષ ૦૬૫૭ નંબરના ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં બુલેટના ચાલક રાજશીભાઇ ચાવડાને ગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રકના ચાલક એવા મીઠાપુરના રહીશ જીલુભાઇ કનૈયાભા જગતીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બુલેટ ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઇ એસ.કે.બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

દંપતિ તથા પુત્ર ઘવાયા

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના વાડી વિસ્તારમાં રહેતા અતુલભાઇ રણછોડભાઇ ડાભી નામના સતવારા યુવાન ગત તારીખ ૧૧ના રોજ પોતાના જીજે૧૦ સીએ.૬૫૬૩ નંબર મોટરસાયકલ પર બેસી તેમના પત્ની શારદાબેન તથા દસ વર્ષીય પુત્ર શિવમ સાથે જઇ રહ્યા હતો ત્યારે કલ્યાણપુરથી ૧૨ કિલોમીટર દૂર કેનેડી ગામે પુર ઝડપે અને બેફિકરાઇપૂર્વક જઇ રહેલા જી.જે. ૧૨ બી.એમ. ૧૭૩૨નંબરના મોટરસાયકલ ચાલક રાજેશ ભુલાભાઇ રાઠોડ નામના શખ્સે પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી, અતુલભાઇના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં અતુલભાઇ, તેમના પત્ની શારદાબેન તથા પુત્ર શિવમને નાની-મોટી ઇજાઓ થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બાઇક ચાલક રાજેશભાઇ ભુલાભાઇ રાઠોડ સામે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭ તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તરૂણીએ ભૂલથી ઝેરી દવા પી લેતા મૃત્યુ

માળી ગામે રહેતી હિરલબેન ગોપાલભાઇ ગમાણા નામની ૧૬ વર્ષીય તરૂણી ગત તારીખ ૯ મીના રોજ ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે તેણીની નાનીમાના ઘરે થઇ હતી. જ્યાં રાત્રીના સમયે તેણીને તરસ લાગતા ભૂલથી પાણી ની બોટલની જગ્યારે ઝેરી દવાની બોટલમાંથી દવા પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ હમીરભાઇ નંગાભાઇ ગમાણાએ અહીંની પોલીસ કરી છે.

ધીણકીના યુવાનને ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી

ધીણકી ગામે રહેતા અશોકભાઇ ધનાભાઇ મકવાણા નામના ૩૦ વર્ષના યુવાને ગઇ કાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં કોઇ અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના ભાઇ મનસુખભાઇ ધનાભાઇ મકવાણાએ દ્વારકા પોલીસને કરી છે. 

(1:26 pm IST)