Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાણાવાવમાં ૬ાા, પોરબંદરમાં ૫ તથા કુતિયાણામાં ૪ ઇંચઃ ફોદાળામાં ૭ ફુટ તથા ખંભાળામાં ૩ ફુટ નવા પાણી

જિલ્લામાં સતત ૪ દિવસથી શાંતિપૂર્વક મેઘસવારીથી ખેડૂતો ખુશ : આજે વહેલી સવારથી પવન : દરિયામાં આંધી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ : જિલ્લામાં સતત ચાર દિવસથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં કાચા સોના જેવો શાંતિપૂર્વક વરસાદ સમયાંતરે ચાલુ રહેતા ખેડૂતો આનંદમાં આવી ગયેલ છે. જિલ્લામાં આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં રાણાવાવ ૬ાા ઇંચ, પોરબંદરમાં ૫ ઇંચ તથા કુતિયાણામાં ૪ ઇંચ વરસાદ પડી ગયો છે.

પોરબંદરને પીવાનું પાણી પૂરૃં પાડતા ખંભાળા જળાશયમાં ૩ ફુટ નવું પાણી આવતા હાલ સપાટી ૨૮ ફુટ થઇ છે. ખંભાળા જળાશય ઓવરફલોનું લેવલ કુલ ૩૬ ફુટ છે. ફોદાળા જળાશયમાં ૭ ફુટ નવુ પાણી આવતા હાલ સપાટી ૨૭.૩ ફુટ પહોંચી છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૧૩૬ મીમી (૭૦૧ મીમી), રાણાવાવ ૧૬૪ મીમી (૭૩૧ મીમી), કુતિયાણા ૧૦૨ મીમી (૭૧૪ મીમી), ખંભાળા જળાશય વરસાદ ૮૫ મીમી (૪૨૧ મીમી), ફોદાળા જળાશય ૯૦ મીમી (૫૪૦ મીમી) નોંધાયેલ છે. પોરબંદર એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૧૪૪.૪ મીમી (૭૫૧.૭ મીમી) નોંધાયેલ છે.

પોરબંદર જિલ્લામાં ગઇકાલે રાત્રીના ૧૧.૩૦થી આજે સવારે ૪.૧૫ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. ઉપરાંત રાઉન્ડ ધ કલોક ગાજવીજ થતાં રહે છે. વહેલી સવારે ૪.૩૦ વાગ્યે પવન નીકળતા મેઘરાજાએ વીરામ લીધો છે. જિલ્લામાં સરેરાશ છેલ્લા ૨૪ કલાકમાં ૩ાા થી ૬ાા ઇંચ વરસાદ પડી ગયો છે.

(1:38 pm IST)