Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ભાવનગર શહેરના છેવાડે ઉભું થતું કચરાનું શહેર

લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છેઃ મનપા પાસે કચરાના નિકાલ માટે કોઇ વ્યવસ્થા જ નથી

ભાવનગર તા.૧૪: ભાવનગર શહેરનાં છેવાડે ઉભું થતું જતું કચરાનું શહેર, શાસકો અને વિકાસને લઈને અનેક પ્રશ્ન ઉભા કરી રહ્યું છે ત્યારે શહેરમથી નીકળતો કચરો એક નહી બે નહી પણ છ થી સાત વર્ષનો અધ ધ ધ ૫ લાખ ટન કચરો એકઠો થયો છે અને નિકાલ માટે એવી કોઈ વ્યવસ્થા નથી કે પ્રશ્ન હલ થાય અને બીજી બાજુ રોજનો કચરાનો વધારો થઇ રહ્યો છે,

શહેરની ૧૦ લાખની વસ્તી વચ્ચે રોજનો ૨૦૦ ટન કચરો નીકળી રહ્યો છે અને આ કચરો શહેરના છેવાડે આવેલા વેટલેન્ડ પાસે બનાવેલા ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવી રહ્યો છે હવે મનપાની ઘોર બેદરકારીએ કચરાના ડુંગર શહેરના છેવાડે જોવા મળશે હા ડમ્પિંગ સાઈટ પર ૫ લાખ ટન કચરો હાલમાં પડ્યો છે તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી અને વિપક્ષે આક્ષેપ કર્યો છે કે ડમ્પિંગ સાઈટ પર આવતી કંપનીઓ કાર્બન ક્રેડીટ લેવા મનપાના પૈસા ખર્ચા કરોડોના કરાવે છે અને પછી ઉઠી જાય છે જેથી કચરો ઠેરનો ઠેર રહે છે અને કચરાના ડુંગર ખડકાતા જાય છે હાલમાં પણ તેવી સ્થિતિ છે કે જેમાં ડુંગરો વધી રહ્યા છે.

કાકારાની ડમ્પિંગ સાઈટ ઉપર કચરો રોજનો ૨૦૦ ટન ઠાલવવામાં આવે છે એટલે વર્ષે ૧૨ હજાર ટન થાય છે ૫ લાખ ટન કચરો હાલમાં છે ૧૦ વર્ષનો કચરો ૧,૨૦,૦૦૦ ટન થાય મતલબ કે શું ૫૦ વર્ષનો કચરો મનપાએ એકઠો કર્યો છે તે કોના પાપે અને જયાં ડમ્પિંગ સાઈટ બનાવવામાં આવી છે તે વેટલેન્ડ છે કે જયાં દેશ વિદેશથી પક્ષીઓ શિયાળામાં આવતા હોઈ છે ત્યારે આ પક્ષીઓ પર પ્લાસ્ટિકથી લઈને અન્ય કચરો આવા પક્ષીઓ માટે ખતરારૂપ છે શાસકો પીપુડી વગાડી રહ્યા છે કે ૨૦૧૬માં હેન્ઝર નામની કંપની જતા રહ્યા બાદ હાલમાં નવી કંપની આવી છે અને તેના બાંધકામ માટે કામગીરી ચાલી રહી છે હાલમાં એક ત્રોમી ચાલી રહી છે જેમાંથી રોજનો કચરો મીનીમમ નિકાલ કરવાની વ્યવસ્થા થઇ છે અને હજુ બીજી બે ત્રોમી મુકવામાં આવનાર છે.

૨૨ વર્ષથી શાસનમાં ભાજપ બેઠું છે અને વિકાસની વાતું કરતા આ શાસકોને કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા સુઝી નથી અને કચરાના ઢગલા વધી રહ્યા છે ત્યારે ભાવનગરની બાજુમાં બીજું કચરાનું ભાવનગર ઉભું થઇ જાય તો નવાઈ નહિ તે નિશ્ચિત છે.

(11:32 am IST)