Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભાવનગરમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીએ બનાવ્યું મીની ઇ બાઈક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪: ભાવનગર શહેરમાં ઇલેકટ્રોનિકસ આઇટમ બનાવવાનો શોખ ધરાવતો ૧૨ કોમર્સનો વિદ્યાર્થી પોતાની બનાવટની વસ્તુઓથી જાણીતો છે. યશ પ્રવીણભાઈ પરમાર નામના આ વિદ્યાર્થીએ હાલમાં મીની ઈ બાઈક તૈયાર કર્યું છે. જેમાં છૂટક સાધનો મેળવીને ઇન્ડિકેટર, ફ્રન્ટ લાઈટ, હોર્ન બનાવ્યા છે. ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા યશે ૬ મહિનાના ગાળામાં પોતાના ઘરે જ મીની ઇલેકટ્રોનિક બાઇક તૈયાર કરીને ટ્રાફિકના નિયમોની જટિલતા સામે ઉકેલ શોધી બતાવ્યો છે. કારમાં સ્પીડોમીટર ફીટ કરવામાં આવ્યું છે. જેનાથી કેટલી બેટરી છે, કેટલી ઝડપ છે તેનો ખ્યાલ આવે છે. ઈ બાઈકનો મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી અને ખર્ચ પણ ઓછો થાય છે . પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી. આરટીઓની ઝંઝટમાંથી પણ મુકિત મળે છે. ભાવનગરના આ ધોરણ ૧૨ કોમર્સના વિદ્યાર્થી યશ પરમારને સંશોધન માટે નાનપણથી જ રસ છે. અને અવનવા સાધનો બનાવવા તત્પર રહે છે. આવી રીતે તેણે અનેકવિધ નવી વસ્તુઓ બનાવી છે. હવે તેણે ઇ બાઇક બનાવી છે.

(11:27 am IST)