Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જામનગરને ૧૦ સીએનજી બસ

જામનગરને ગ્રીન રાખવા સીએનજી સિટી બસોનો પ્રારંભ

જામનગર તા.૧૪ : ગુજરાતને ગ્રીન એનર્જીના વપરાશમાં અગ્રસર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સીએનજી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે જામનગર મહાનગરપાલિકાના આંગણે મહાનુભાવોના હસ્તે શહેરમાં ૩ સી.એન.જી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ જામનગર શહેર વિસ્તારમાં ૩૦ લોકોની ક્ષમતા સાથેની દસ મિની સીએનજી બસ પીપીપીના ધોરણે ચલાવવામાં આવશે. જામનગર ખાતે હાલ ૩ બસો કાર્યરત કરવામાં આવી છે. જેમાં બીજા તબક્કામાં અન્ય બસોને જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે. જામનગર શહેરના વિસ્તારને ધ્યાને લેતા અંદાજે ૪૦ જેટલી બસોની જરૂરિયાત રહેવા પામે છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૦ ડીઝલ ઓપરેટેડ બસો ખરીદવામાં આવેલ હતી, પરંતુ પર્યાવરણને વધુ સ્વચ્છ અને પ્રદૂષણમુકત કરવા માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયમાં સીએનજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે ત્યારે જામનગર ખાતે હવે સીએનજી બસો ચલાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયરશ્રી કરસનભાઇ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, નવનિયુકત શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલ કગથરા, કમિશનરશ્રી સતીશ પટેલ, ડેપ્યુટી કમિશનરશ્રી વસ્તાણી તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો વગેરે મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)