Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ખંભાળીયા પાસે અકસ્માતમાં કુવાડીયાના હમીર ભરવાડનું પૂરપાટ જતી બસ હડફેટે મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૫ : . ખંભાળીયા દ્વારકા માર્ગ પર આજે સવારે પૂરપાટ જતી એક ખાનગી કંપનીની બસના ચાલકે એક બાઈકને હડફેટે લેતા તેના પર જઈ રહેલા એક ભરવાડ યુવાનનું કરૃણ મૃત્યુ નિપજ્યુ હતું.

આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ પર અત્રેથી આશરે ૧૬ કિ.મી. દૂર આવેલા કુવાડિયા ગામે રહેતા હમીરભાઈ ભીખાભાઈ ભરવાડ નામના આશરે ૫૦ વર્ષના યુવાન આજરોજ શુક્રવારે સવારે આશરે આઠેક વાગ્યે કુવાડીયા ગામના પાટિયા પાસે પોતાના મોટર સાયકલ પર હતા ત્યારે આ માર્ગ પરથી દ્વારકા તરફ પસાર થતી અને જી.આર. ઈન્ફ્રા. કંપનીમાં ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે હમીરભાઈના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા હમીરભાઈ ભરવાડનું કરૃણ મૃત્યુ નિપજ્યુ હતું. આ બનાવ બનતા અહીંના પી.આઈ. ખુશ્બુબેન યાજ્ઞિક તથા સ્ટાફ અને ગામના રહીશો હોસ્પીટલે પહોંચી ગયા હતા. આ ગંભીર અકસ્માત સર્જી આરોપી બસનો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટતા સવારે થોડો સમય મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી, અકસ્માતની ફરીયાદ નોંધવાની તજવીજ કરી હતી. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોમાં  ઘેરાશોકની લાગણી પ્રસરી છે

(2:13 pm IST)