Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં એક પોલીસ કર્મી ઝડપાયો : હજીયે ચાર લાપત્તા

એટીએસ દ્વારા બનાસકાંઠામાંથી કોન્સ્ટેબલ ગફુરજીની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : મુન્દ્રામાં બે ગઢવી યુવાનના પોલીસ કસ્ટડી માં મોત થયાના ચકચારી મામલામાં નાસતા ફરતા પાંચ પોલીસ કર્મીઓ પૈકી એક પોલીસ કર્મીને એટીએસ દ્વારા ઝડપી લેવાયો છે. ૨૬ વર્ષીય ભાગેડુ કોન્સ્ટેબલ ગફુરજી પિરાજી ઠાકોરને એટીએસ દ્વારા તેના ગામ બનાસકાંઠાના થરાદ પાસેના ઊંટવેલિયામાંથી ઝડપી લીધા બાદ તેને ભુજ પોલીસને સોંપવામાં આવ્યો છે.

દરમિયાન આ કિસ્સામાં આથી અગાઉ પોલીસે નરસિંહ સરવૈયા નામના એક આરોપીને આશરો દેવા બદલ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા હવે તેને જેલ હવાલે કરાયો છે. આથી અગાઉ પીઆઈ જયેન્દ્રસિંહ પઢિયાર અને ગ્રામ રક્ષક દળના જવાન વિરલ જોશીની ધરપકડ થઈ ચૂકી છે. તેઓ જેલ હવાલે છે. જયારે આ પ્રકરણમાં સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની સંડોવણી ખુલ્યા બાદ તે ફરાર છે.

આ પ્રકરણ જમીન અંગેનું હોવાની પણ ચર્ચા છે. જયવીરસિંહનીની આગોતરા જામીન અરજી ભુજ કોર્ટે નામંજૂર કરી છે. જોકે, હજી આ પ્રકરણમાં ચાર પોલીસકર્મીઓ હેકો શકિતસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, અશોક કન્નડ, કપિલ દેસાઈ હજીયે ભાગેડુ છે.

કચ્છના ગઢવી ચારણ સમાજ દ્વારા આ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપીઓને પકડવા અને આકરી સજા આપવા માંગ કરાઇ છે. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણે કચ્છમાં ચકચાર સર્જી છે.

(11:31 am IST)