Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અમરેલી જીલ્લાના રાજુલામાં કાતર ગામની સીમમાં ૨૦ સેકન્ડમાં સિંહે વાછરડાનો શિકાર કરીને નાનકડી શેરીમાં બેસીને મીજબાની માણી

અમરેલીઃ અમરેલીમાં ગતરોજ રાજુલા પંથકમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ સિંહોએ મોડી રાત્રે પશુઓની પાછળ શિકાર માટે ભાગ્યા હતા, જેથી પશુમાં ભારે ભાગદોડ જોવા મળી હતી. જો કે, સિંહે એક વાછરડાને પોતાનો શિકાર બનાવ્યો હતો. જેના સીસીટીવી વાયુવેગ સોશિયલ મીડિયામાં ફરતા ગ્રામજનોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજુવાના કાતર ગામમાં ગત મોડી રાત્રે બે સિંહો ઘુસી આવ્યા હતા. આ સિંહોના ટોળા અંધારામાં જ ગામમાં ઘુસતા હોય છે. ગત રાત્રે પંથકમાં સિંહોને જોઈ પશુઓ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા. જો કે, એક વાછરડાને સિંહે દબોચી લીઘો હતો અને ફકત 20 સેકન્ડમાં જ તેને શિકાર કરી ગામની નાનકડી શેરીમાં આરામથી બેસીને મિજબાન માણતા જોવા મળ્યા હતા. આ સમગ્ર રોમાંચક ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. તો સ્થાનિક રહેવાસીએ પણ મિજબાની માણતા સિંહને કેમેરામાં કેદ કર્યો હતો. વાછરડાનો શિકાર કરતા સાવજના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યાં છે.

ગત મોડી રાત્રે શેરીમાં પશુઓએ જીવ બચાવવા દોડધામ મચાવી હતી. પશુઓની પાછળ સાવજો દોડી રહ્યાં હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. શેરીઓમાં શિકારની પાછળ દોડતા સિંહોને જોઇને સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ કોરોના મહામારીના કારણે રાત્રિ કફર્યુનો સમય યથાવત જ રાખવામાં આવ્યો છે, જેથી ગામમાં લોકો કફર્યુ હોવાથી પોત પોતાના ઘરમાં રહે છે.

સ્થાનિકોએ જણાવ્યું છે કે, ગામમાં વારંવાર સિંહો ઘૂસી જાય છે અને વન વિભાગને જાણ કરવા છતાં કોઇ આવતું નથી. અહીં પશુનો શિકાર તો ચાલુ જ હોય છે, પણ જો આ સિંહો માનવીઓ પર હુમલો કરશે તો એ માટે જવાબદાર કોણ? વન વિભાગને આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી.

(5:13 pm IST)