Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગીર સોમનાથમાં કોરોનાના રપ૦ થી વધુ દર્દીઓ દાખલઃ ૧ર૦૦ થી વધારે હોમ કોરોન્ટાઈનઃ દરરોજ ર થી ૬ વ્યકિતઓના મૃત્યુ?

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો ડર અને ભય વધતો જાય છે જીલ્લાની સરકારી, ખાનગી હોસ્પીટલોમાં રપ૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહેલ છે તેમજ ૧ર૦૦ થી વધારે હોમકોરોન્ટાઈન થયેલ હોવાનું જાણવા મળેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં મુખ્ય શહેરો મોટા ભાગના સ્વૈચ્છાએ લોકડાઉન થયેલ છે જયારે વેરાવળ શહેર સંપુર્ણ પણે ખુલ્લું રાખવામાં આવેલ છે કોઈપણ સ્વૈચ્છાએ લોકડાઉન કરવા માંગતું નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારો પણ જડબે સલાખ બંધ પાડી રહેલ છે દરરોજ કેસોમાં વધારો થતો જાય છે છ તાલુકામાંથી દર્દીઓ વેરાવળ સીવીલ હોસ્પીટલમાં આવી રહેલ છે તેમજ પાંચ ખાનગી હોસ્પીટલોને મંજુરી અપાયેલ છે તે તમામ હાઉસફુલ થઈ ગયેલ છે રપ૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહેલ છે ૧ર૦૦ થી વધારે હોમકોરોન્ટાઈન થયેલ છે. જયારે દરરોજ ર થી ૬ વ્યકતીઓ મૃત્યુ પામે છે વધારાના દર્દીઓને જુનાગઢ મોકલવામાં આવે છે દર્દીઓના પરીવારની ફરીયાદ થયેલ છે કે ઈન્જીકશનો, દવાઓ લખી દેવામાં આવે છે તે મળતી ન હોય તેથી પરીવાર ભયભીત રહે છે જેથી વહીવટી,આરોગ્ય તંત્ર એ સારવાર લેતા દર્દીઓને સંભાળ લેવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

બીજી બાજુ સીવીલ હોસ્પીટલમાં દર્દીઓના પરીવારજનો બહાર બેસી દર્દી તુરતજ સાજો થાય તે માટે પ્રાર્થના કરતા હોય ત્યારે વેરાવળ શહેરની શાક માર્કેટ, ગાંધીરોડ, સુભાષરોડ, સટા બજાર સહીતના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળે છે કોઈપણ જાતના નિતી નિયમોનું પાલન થતું ન હોય તેવા દ્રશ્યોથી કોરોના આ વિસ્તારમાં કયાં નથી તેવી પ્રતીતી થાય છે.

(12:52 pm IST)