Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વઢવાણ મામલતદાર સહિત ૬, SBIના ૬ કર્મચારી મળી કોરોનાના વધુ ૧૯ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે, સામે સાજા થનારની સંખ્યામાં ઘટાડો, આંકડા આપવામાં તંત્ર ગોટે ચઢયું : ગાંધી હોસ્પિટલમાં જ ૪૫૦ દર્દીઓ સારવારમાં : તંત્રની યાદી મુજબ ૭૩ તો સ્મશાનના આંકડા મુજબ ૯૬ના અત્યાર સુધી મોત થયા છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૫ : સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ હવે સરકારી અધિકારીઓ પણ કોરોના સંક્રમિતનો ભોગ બની રહ્યા છે. વઢવાણ મામલતદાર કચેરીમાં એક સાથે છ કર્મચારીઓને પોઝિટિવ આવતા હાલમાં વઢવાણ મામલતદાર કચેરી ખાતે ની તમામ કામગીરી ૬ દિ' માટે સ્થગિત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સરકારી કચેરીઓમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કરતાં તંત્ર સહિત લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

વઢવાણ મામલતદાર ડી.જી. બરોલીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત આ કચેરીમાં ફરજ બજાવતાં અન્ય પાંચ જેટલાં કર્મચારીઓને પણ કોરોના પોઝીટીવ આવતાં.

જયારે બીજી બાજુ સ્વામીનારાયણ ડેલા સામે આવેલ એસબીઆઈ બેન્કમાં પણ અધિકારી સહિત પાંચ થી છ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં ગ્રાહકોની સાવચેતી અને સલામતીના ભાગરૂપે બેન્કનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું.

જયારે ધ્રાંગધ્રાની મેઈન બજારમાં આવેલ એસબીઆઈ બેન્કના પણ ચાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો અને બેન્કનું કામકાજ બંધ રાખી સમગ્ર બેન્કને સેનેટાઈઝ કરવામાં આવી હતી. આમ વઢવાણ મામલતદાર કચેરી સહિત સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાની બેન્કમાં કોરોનાના પોઝીટીવ કેસો નોંધાતાં તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ૧૬૩૫ જેટલી થવા પામી છે ત્યારે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં વિલંબ થતો હોવાની ચર્ચા વહેતી થવા પામી છે.

જેમાં ખાસ જે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને જેમાં પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે પોઝિટિવ કેસો જાહેર કરવામાં આવતા કોઈ કેસો જાહેર કરી ગણવામાં ન આવતા હોવાની રાવ વ્યાપી જવા પામી છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ જો અન્ય શહેરમાં આવેલી ખાનગી કે સરકારી હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવે અને તે કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવે તો તે આંકડાઓ પણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ગણવામાં આવી રહ્યા નથી.

ત્યારે હકીકતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે તે બાબતની સાચી હકીકત જિલ્લા પ્રશાસન વિભાગને પણ ખ્યાલ ન હોવાની ચર્ચા વ્યાપી જવા પામી છે..

કોરોનાના કારણે જિલ્લામાં ૭૩ લોકોના સરકારી યાદી મુજબ મોત નિપજયા છે. બીજી તરફ જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં જ સારવાર લઈ રહેલા ૯૬ દર્દીઓ કોરોનાની સારવારમાં મોત નિપજયા હોવાનું સ્મશાનના આંકડાઓમાં ખુલ્યું.

મૃત્યુઆંક જિલ્લામાં સમયાંતરે ઊંચો આવી રહ્યો છે ત્યારે સરકારી યાદી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અને શહેરી વિસ્તારોમાં થઈને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ફકત ૭૩ દર્દીઓના મોત જ સરકારી ચોપડે ચડાવવામાં આવ્યા છે.

બીજી તરફ ગાંધી હોસ્પિટલમાં જ સારવાર લઈ રહેલ અને કોરોના પોઝિટિવ કેસ હોય અને મોત થયું હોય તેવા ૯૬ દર્દીઓના અગ્નિસંસ્કાર સ્મશાનમાં કરવામાં આવ્યા ત્યારે ફકત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ એક જ સ્મશાનમાં કોરોના ના પોઝિટિવ લક્ષણ ધરાવતા ૯૬ દર્દીઓના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે તો સમગ્ર તાલુકામાં કોરોના ના કારણે કેટલા દર્દીઓના મોત નિપજયા હશે તે સવાલ ઊભો થવા પામ્યો છે.

બીજી તરફ જો દર્દીની તબિયત અત્યંત નાજુક હોય તો તેને અમદાવાદ અથવા રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે અને ત્યાં જ દર્દીઓ નું મોત નિપજે તો તે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ની મૃતક યાદીમાં સમાવવામાં આવી રહ્યું ન હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં કોરોનાના કારણે કેટલા લોકોના મોત નિપજયા હશે ?

પ્રતિદિન સરકારી ચોપડા મુજબ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે ત્યારે કોરોનાના વધતા કેસો સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે હાલ માં ઘટાડો જોવા મળ્યો છે અને હાલમાં ગંભીરતાપૂર્વક સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વકરતો જઈ રહ્યો છે. ગાંધી હોસ્પિટલમાં અંદાજિત સાડા ચારસો કરતાં પણ વધુ કોરોનાના દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતેથી એક પણ કોરોનાનો દર્દી કોરોનાને માત આપી શકયો નથી અને સાજો પણ થઇ શકયો નથી. ત્યારે જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

(11:50 am IST)