Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અમરેલી જિલ્લામાં કોરોનાથી ૨ દિવસમાં ૯ દર્દીના મોતથી અરેરાટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૫ : અમરેલીમાં સારવાર દરમિયાન રવિવાર તથા સોમવાર એમ બે દિવસમાં કોરોનાના ૯ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા અને અમરેલી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા રોજિંદી ૨૫ થી ૩૦ વચ્ચે આવી રહી છે.

સોમવારે ૨૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. રવિવારે લાઠીના મતીરાળા ગામના પુરૂષ દર્દી, સાવરકુંડલાના સીમરણ ગામના બે દિવસ પહેલા જ મૃત્યુ પામેલા મહિલાના ૮૨ વર્ષના પતિ, લાઠીના ૭૦ વર્ષના મહિલા તથા અમરેલીના પુરૂષ દર્દી, બગસરાના નવા પીપળીયા ગામના પુરૂષ દર્દી, સાવરકુંડલાના મુસ્લિમ દર્દી તથા ૪૬ વર્ષના બીજા દર્દી મળી કુંડલાના ૨ અને કુલ સાત દર્દીના સાંજ સુધીમાં મૃત્યુ થયા હતા.

જ્યારે સોમવારે સવારે પ્રતાપપરાના ૭૦ વર્ષના મહિલા દર્દી અને ધારીના ૫૩ વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ થયું હતું અને રાત્રે સાવરકુંડલાના ૬૫ વર્ષના દર્દીનું મૃત્યુ થયું હતું. આ સાથે રવિ અને સોમ એમ માત્ર બે દિવસમાં જ ૧૦ના મોત નિપજ્યા હતા.

જિલ્લામાં કોરોનાના ૨૮ નવા પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૬૪૧ થઇ છે. જેમાં આજના ૨૮ કેસમાંથી અમરેલી શહેરના ૧૨ અને તાલુકાના ૨ મળી ૧૪ કેસનો સમાવેશ થાય છે. સાવરકુંડલામાં જુના ખોડી રોડ, હાથસણી રોડ તથા કરજાળામાં ૨ મળી ૪ કેસ આવ્યા હતા. જાફરાબાદના ટીંબી અને શેલણામાં તથા ધારીના ભાડેર અને ચલાલામાં ૨ કેસ આવ્યા છે. લીલીયાના પીપળવા અને બગસરામાં તથા બાબરા અને કોટડાપીઠામાં કેસ નોંધાયા છે. અમરેલી તાલુકાના ચિતલ અને માલવણ તથા શહેરમાં ચિતલ રોડ, મોટી હવેલી પાસે, વિદ્યાનગર, હીરા મોતી ચોક, ચકકરગઢ રોડ, લીલીયા રોડ, રામવાડી, માણેકપરા, લાઠી રોડ, બ્રાહ્મણ સોસાયટી, કલાપી પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૨ જેટલા શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.

(12:55 pm IST)