Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મુન્‍દ્રા બંદરે ડ્રગ્‍સની આશંકા સાથે ૪ કન્‍ટેનર અટકાવાઇ : ટેલકમ પાઉડરની જગ્‍યાએ ડ્રગ્‍સની શંકા

ડીઆરઆઇની તપાસનો ધમધમાટ અફઘાનિસ્‍તાનથી વાયા ઇરાન થઇને આવેલા કન્‍ટેનરમાં કસ્‍ટમ હાઉસ એજન્‍ટ શંકાના દાયરામાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : મિસ ડેકલેરેશન એટલે કે ચોપડે એક ચીજ વસ્‍તુ દર્શાવી અને તેને બદલે બીજી ચીજ વસ્‍તુ મોકલી કસ્‍ટમ તંત્રની આંખમાં ધૂળ નાખતા રાષ્ટ્રદ્રોહી તત્‍વોના પ્રયાસો ઉપર અંકુશ આણવા તત્‍વોની સાંકળ તોડવા કડક કાયદા જરૂરી છે.
આયાત નિકાસના વ્‍યાપારના ઓઠા તળે રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ કરતા વ્‍હાઈટ કોલર દાણચોરો સામે બેંક એકાઉન્‍ટ સીલ કરવા, જીએસટી અને પાન નંબર રદ્દ કરી બ્‍લેક લીસ્‍ટ કરી જેલમાં કોફેપાસા હેઠળ પૂરી દેવા સરકારે મક્કમતા દાખવવી પડશે તો જ દેશદ્રોહી પ્રવૃત્તિઓ અટકશે.
કચ્‍છના મુન્‍દ્રા સ્‍થિત અદાણી બંદરે ડીઆરઆઇ દ્વારા ખાનગી કંપની ટી.જી. સીએફએસમાં રહેલ ચાર કન્‍ટેનર અટકાવી તપાસ હાથ ધરાઇ છે. અફઘાનિસ્‍તાનથી વાયા ઈરાન દ્વારા આવેલ આ કન્‍ટેનરોમાં ટેલકમ પાઉડરની જગ્‍યાએ ડ્રગ્‍સ હોવાની આશંકાને પગલે આ તપાસ શરૂ કરાઈ છે.
જોકે, આ વખતે અલગ અલગ ૮ જેટલી એજન્‍સી તપાસમાં જોડાઈ છે. હાલના તબક્કે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. પણ સૂત્રોનું માનીએ તો આ પ્રકરણમાં કસ્‍ટમ હાઉસ એજન્‍ટની ભૂમિકા શંકાના દાયરામાં છે.

 

(11:08 am IST)