Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

૩ લાખની લાંચ લેતા ઝડપાયેલ દ્વારકાનાં પ્રાંત અધિકારી નિહાર ભેટારીયાના રિમાન્ડની તજવીજ

દ્વારકામાં ૬ વર્ષમાં ર પ્રાંત અધિકરી લાંચ લેતા ઝડપાયાઃ અગાઉ પી. જે. વ્યાસ ૬ લાખની લાંચમાં ઝડપાયા'તા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાડનાર દ્વારકાનાં પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા હથિયારના લાયસન્સ પ્રકરણમાં દ્વારકાના એક ગ્રામ્યના નિવાસી પાસેથી લાંચમાં રૂા. ત્રણ લાખ લેતા રંગે હાથે પકડાઇ ગયા હતાં.

આ કેસમાં ગઇકાલે બપોરે જ એ. સી. બી. ના અધિકારી ગાંધીનગરના શ્રી ચાવડા તથા દ્વારકાના શ્રી પરમાર તથા સ્ટાફે નિહાર ભેટારીયાને દ્વારકાની ખંભાળીયા લાવીને પુછપરછ હાથ ધરી હતી. તથા દ્વારકા ખાતે તેમની ઓફીસે તથા નિવાસ સ્થાન ફલેટમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તે પછી આ કેસની તપાસ રાજયના એ. સી. બી. વડા એ મોરબી એ. સી. બી. પો. ઇ. પ્રવિણદાન ગઢવીને સોંપાતા તેમણે આગવી ઢબે તપાસ હાથ ધરી છે.

લાંચમાં પકડાયેલા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયાનો ગઇકાલે કોવીડ ટેસ્ટ પણ કરાયો હતો. જે નેગેટીવ આવતા આજે બપોર પછી તેમને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસની રીમાન્ડ માંગવામાં આવશે.

દ્વારકા સીવીલ જજ રજા પર હોય પો. ઇ. ગઢવી પ્રાંત ભેટારીયાને ખંભાળીયા સમક્ષ રજુ કરીને રીમાન્ડ માંગશે તથા મોરબી એ. સી. બી. સમગ્ર કેસની તપાસ કરશે.

જુનાગઢના કેશોદ ગામમાં અત્યંત ગરીબ આહિર પરિવારમાંથી જી. એ. એસ.  પાસ કરીને નિહાર ભેટારીયાએ દ્વારકા થી જ બે વર્ષ પહેલા પ્રાંત અધિકારી તરીકે કારકીર્દી શરૂ કરી હતી અને ગઇકાલે લાંચ માં પકડાઇ ગયા. જો કે પુર રાહતમાં ભારે વરસાદ વાવાઝોડા તથા કોરોના સંદર્ભે તેમની કામગીરી સારી રહી હતી. પણ લાંચમાં આવી જતાં હવે તેમની સામે સસ્પેન્ડ કરવા અને ઉપરના વિભાગને જો યોગ્ય લાગશે તો ડીસમીસ કરવા પણ કાર્યવાહી થઇ શકે કેમ કે હજુ નિહાર ભેટારીયાએ તેમનો પ્રોબેશનલ નોકરી પિરીયડ પણ પુર્ણ કર્યો નથી.

જો કે દ્વારકા પ્રાંતમાં છ વર્ષમાં બે પ્રાંત અધિકારી લાંચમાં પકડાયા તે પણ રાજયનો રેકોર્ડ છે.

અગાઉ અધિક કલેકટરમાં પ્રમોશન ડયુ હતું તેવા પ્રાંત પી. જે. વ્યાસ પકડાયા હતા રૂા. ૬ લાખમાં અને દ્વારકાના પ્રાંત નિહાર ભેટારીયા ત્રણ લાખની લાંચમાં પકડાયા આ દ્વારકા પ્રાંત બે લાંચમાં પકડાયાનો પણ રાજયમાં પ્રાંત કચેરીમાં રેકોર્ડ થયો છે.

(12:35 pm IST)