Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મિતાણા પાસે પા.પૂ.ની લાઇનમાંથી ગેરકાયદેસર કનેકશન આપનાર સુપરવાઇઝર સામે ગુન્‍હો નોંધાયો

છેવાડાના ગામોમાં પાણી ઓછુ મળતા તપાસ કરતા ભાંડો ફુટયો : ટંકારા પોલીસમાં ફરિયાદ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૬ : ટંકારાના મીતાણા ગામ પાસે બાપાસીતારામ હોટલની સામે પાણી પુરવઠા વિભાગના સુપરવાઈઝરે કેટલાક ગેકાયદેસર કનેક્‍શન આપી દેતા સરકારી કનેકશનોમાં નુકશાન કરી પાણીનો બગાડ કર્યો હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે

 વાંકાનેરના પંચાસર રોડ પર રહેતા દિનેશભાઈ મગનભાઈ કણસાગરા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે રાધે બિલ્‍ડર્સ નામની કંપનીમાં કુલમુખત્‍યાર આધારે જવાબદાર ગવર્મેન્‍ટ એપૂર્વડ કોન્‍ટ્રાક્‍ટર તરીકે બે વર્ષથી કામગીરી કરે છે તેની ફરજ મીતાણા હેડવર્ક સેક્‍શન હેઠળ આવતા ગામડાની કામગીરીનું સુપર વિઝન ગત તા. ૧-૦૮-૨૦૨૧ થી સુપરવાઈઝર તરીકે પરસોતમભાઈ લવજીભાઈ સંધાણીને આપવામાં આવ્‍યું હતું

 પરસોતમ દ્વારા ત્‍યાંથી ગુજરાત વોટર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લીમીટેડ મોરબી હેઠળ આવતા હીરાપર થી હડાળા તરફ જતી એનસી ૧૨એ લાઈનના એરવાલ્‍વ નંબર ૩૦ ઉપરથી ગામડાઓને બોર્ડના ધારા ધોરણ કરતા વધુ પાણી મળી રહે તે માટે તથા અમુક જગ્‍યા એ સ્‍થાનિક લોકો સાથે મળીને ગેરકાયદેસર રીતે પીવાના પાણીના કનેક્‍શન આપી પાણીનો બગાડ કરવા માટે મદદગારી કરેલ છે જેથી છેવાડાના ગામોમાં પાણી ઓછુ મળતું હોતે તે બાબત દિનેશભાઈના ધ્‍યાને આવતા તપાસ કરતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ મોરબી તથા રાજકોટ તરફથી રીપેરીંગ કરવા માટે ઇસ્‍યુ કરવામાં આવેલ અને પાઈપની તથા બોર્ડની જાણ કર્યા વગર તે પાઈપનો ઉપયોગ કરી પરસોતમભાઈ એ એરવાલ્‍વ નંબર ૨૭ પરથી ગામડાઓને બોર્ડના ધારા ધોરણ કરતા વધુ પાણી મળી રહે અને જીડબ્‍લ્‍યુઆઈએલ બલક લાઈનનો પાણી પુરવઠો ઘરે તથા એરવાલ્‍વમાંથી મીતાણા હેડવર્કસ ખાતે સંપમાં વધુ પાણીની આવક થાય જેથી તેઓને નોકરીની ફરજમાં કામગીરી કરવામાં વધુ મહેનત ના કરવી પડે તેવા હેતુથી પરસોતમભાઈ દ્વારા આ કળત્‍ય કરવામાં આવ્‍યું હોવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે   અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા ગેરકાયદેસર કનેક્‍શન જણાઈ આવતા કનેક્‍શન નંબર ૩૦ અને ૨૭ ગેરકાયદેસર જ આવેલ હોવાનું ખુલતા પરસોતમભાઈ એ સરકારી કનેકશનોમાં નુકશાન કરી પાણીનો બગાડ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 

(1:19 pm IST)