Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવી મોવાણના આંગણે કાલથી ગોજીયા (આહિર) પરિવાર દ્વારા પંચબલી મહાયજ્ઞ

લોકડાયરાની રમઝટ બોલશે : અવિરતપણે ભોજન પ્રસાદ ચાલુ રહેશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૧૬ : દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર આવ્‍યો છે. જેમા  ચાર યુગમાં એક જ વખત થયો છે એવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્‍ત ગોજીયા(આહિર) પરિવાર દ્વારા સમર્થ ધામ મું. નવી મોવાણના આંગણે થવા જઈ રહ્યો છે.

સમર્થધામમાં ૩૩૦૦ દેવી દેવતાઓ બિરાજમાન છે.  અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યદુનંદન, નંદનંદનશ્રી દ્વારકાધીશ ભગવાન તેમજ કરૂણામુર્તિ-તેજોમુર્તિ કુળદેવી શ્રી ચામુંડા માતાજી તેમજ સમર્થધામના ૩૩૦૦ દેવી દેવતાઓની પરમ અનુકંપાથી તેમજ સમર્થપીરની પ્રેરણાથી સર્વજન હિતાય, સર્વાનુમતે સમસ્‍ત ગોજીયા(આહિર) પરિવારના સમસ્‍ત પિતળદેવની તથા ભાયાદાદાની સદ્‌ગતી-મોક્ષગતી માટે વૈદિક પરંપરા અનુસાર ૧૧૧ કુંડી પંચબલી મહાયજ્ઞનું તા. ૧૭ એપ્રિલથી તા. ૨૧ એપ્રિલ દરમિયાન  સમર્થધામ, મું. નવી મોવાણ તા.જામખંભાળીયા ખાતે ભવ્‍ય આયોજન થવા જઇ રહ્યું છે. પંચબલી મહાયજ્ઞમાં ૧૧૧ પ્રેતબલી, ૧૧૧ નાગબલી, ૧૧૧ નારાયણબલી, ૧૧૧ ભુતબલી અને ૧૧૧ નીલોત્‍સર્ગ એમ કુલ ૫૫૫ હવન થશે અને ૧૧ જોડી વાછરડા-વાછરડીને પરણાવવામાં આવશે.  તા.૧૭ એપ્રિલના પ્રેતબલી યજ્ઞ, તા.૧૮ એપ્રિલના નાગબલી યજ્ઞ, તા.૧૯ એપ્રિલના ભુતબલી યજ્ઞ, તા.૨૦ એપ્રિલના નારાયણબલી યજ્ઞ અને તા.૨૧ એપ્રિલના નિલોત્‍સર્ગ યજ્ઞ (લિલ) યોજાશે.

આ કાર્યક્રમની સાથે સાથે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તા.૨૧ એપ્રિલના રોજ સાંજે માયાભાઇ આહિર, બીરજુ બારોટ અને વજુભાઇ ગોજીયા દ્વારા લોકડાયરો યોજાશે. તેમજ તા. ૧૮ એપ્રિલના રોજ મહારાસ રાખવામાં આવેલ છે. જેમાં જુલીબેન ગોજીયા, અર્જુન આહિર અને હિનાબેન આહિરનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે. સમગ્ર યજ્ઞ શાષાીજીશ્રી મહેશભાઇ લાબડીયાની દોરવણી મુજબ કરવામાં આવનાર છે. આ પંચબલી મહાયજ્ઞમાં પ્રસાદીરૂપે ભોજન અવિરતપણે ચાલુ જ રહેશે.

આ દિવ્‍ય સમોયજ્ઞના દર્શન કરવા તેમજ ભગીરથ કાર્યમાં પુણ્‍યનું ભાથું બાંધવા અને પિતળદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આત્‍મા કલ્‍યાણ તેમજ સમર્થધામના અનેક દેવી દેવતાઓના દર્શનનો લાભ એક જીવનનું સંભારણું બની રહેશે.

(1:29 pm IST)