Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોલીસને પૂરું ગ્રેડ પે આપવાનો વાયદો, 'આપ' ગુજરાતમાં શિક્ષણ માટે કામ કરશે: અરવિંદ કેજરીવાલે ભુજમાં વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા

ખાનગી શાળાઓ ઉપર અંકુશ, કચ્છમાં પોર્ટ ઉપરથી વારંવાર પકડાતાં ડ્રગ્સના મૂળ અને તપાસની વિગતો સરકાર જાહેર કરે

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૧૬ આગામી વિધાનસભાની ચુંટણીમાં ''આપ" ગુજરાતમાં રાજકીય પડકાર ઊભો કરશે કે નહીં એવી ચર્ચાઓ વચ્ચે અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ આજે કચ્છ જિલ્લાનો પ્રવાસ કરી અને ફરી આવતે અઠવાડિયે આવવાનો વાયદો કરી અરવિંદ કેજરીવાલે આવનારી ચૂંટણીમાં પડકાર ઊભો કરવાની રાજકીય મહેચ્છા દર્શાવી દીધી છે. જોકે, આજે ભુજ પૂરતું જ માત્ર ચારેક કલાકનું ટુંકુ રોકાણ કરનાર અરવિંદ કેજરીવાલે ભુજમાં બે કલાક દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પત્રકારો સાથે ટૂંકમાં વાત કરી હતી. કેજરીવાલે દિલ્હી જેમ જ ગુજરાતમાં અને કચ્છ માં સરકારી સ્કુલોને શ્રેષ્ઠ બનાવવાની વાત કરી હતી. ગુજરાતમાં ખાનગી સ્કૂલો દ્વારા આડેધડ ઉઘરાવાતી ફી સામે સરકાર ચૂપ છે એવો આક્ષેપ કરી રાજકીય આગેવાનો સ્કૂલો ચલાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મહિલા શિક્ષણ માટે સુવિધા ઊભી કરવા બાહેંધરી આપી હતી. આપ પાર્ટી વતી પોતે પોલીસના ગ્રેડ પે ના મુદ્દાને સમર્થન આપ્યું એટલે સરકારે પગાર ભથ્થા માં વધારો કર્યો હોવાનું જણાવતા કેજરીવાલે ગુજરાત સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. જો, રાજ્યમાં આપની સરકાર બનશે તો પોલીસને ગ્રેડ પે નો લાભ અપાશે એવું કહી ખાનગી રીતે પોલીસ આપ ને સહકાર આપે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. દરમ્યાન કચ્છના બંદરો ઉપર પકડાતાં ડ્રગ્સ મામલે આ સમગ્ર કેસના મૂળ અંગે તેમ જ તપાસ અંગે સરકાર ને વિગતો જાહેર કરવા કેજરીવાલે જણાવી બંદરો ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા ઉપર ભાર મૂક્યો હતો. જોકે, પત્રકાર પરિષદ યોજાઈ નહીં અને મીડિયા સાથે વાત થઈ શકી નહીં એ બદલ સમયનો અભાવ હોવાનું જણાવી કેજરીવાલે ફરી પોતે ૨૨ તારીખે આવશે ત્યારે વાત કરશે એવું જણાવ્યું હતું. આ કાર્યક્રમ માં આપ પાર્ટીના ગુજરાત ના આગેવાનો ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી ઉપરાંત અન્ય અગ્રણીઓ કચ્છ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:36 pm IST)