Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

યાત્રાધામ વીરપુર (જલારામ)ના એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી પડતા યાત્રાળુઓને તેમજ મુસાફરોને ભારે હાલાકી

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ) તા. ૧૬ : યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં ચોમાસામાં વરસાદી પાણી પડતા તેમજ પાણી ભરાતા યાત્રાળુઓને ભારે હાલાકી પડી રહી છે.

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જયાં પૂજય જલારામબાપાની જગ્યામાં દરરોજ હજારો યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે, પરંતુ યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડને લઈને યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે વીરપુરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ હાલ નવું બની રહ્યું છે જેમને લઈને એસટી તંત્ર દ્વારા એક હંગામી પતરાનું છાપરા જેવું બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ હાલ ચોમાસાની ઋતુ હોવાથી સામાન્ય વરસાદમાં પણ બનાવેલ બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાય છે તેમજ યાત્રિકો ઉપર વરસાદી પાણી પડે છે જેમને લઈને વીરપુર એસટી બસમાં મુસાફરી કરતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ વીરપુરના આજુબાજુના ગામડાઓ માંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે તો યાત્રાળુઓ માટે ટોઇલેટ કે યુરિયલમાં સાફ સફાઈ કે પાણીની સુવિધાઓ પણ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં ન હોવાથી વીરપુરના જાગૃત નાગરિક દ્વારા સરપંચ દ્વારા એસટી તંત્ર પાસે યાત્રાળુઓ માટે તેમજ વિદ્યાર્થીઓ માટે સત્વરે સુવિધાઓ તેમજ ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તેવી માંગ કરવામાં આવી રહી છે તેમજ વીરપુરના નવા બનતા બસ સ્ટેન્ડના બાંધકામમાં ભ્રષ્ટાચારના પણ વીરપુર સરપંચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

(10:45 am IST)