Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મોરબીના ૬૦૦ કરોડના ડ્રગ્‍સ પ્રકરણમાં ૩ આરોપીઓના રીમાન્‍ડ મંગાયા

ત્રણેય આરોપીઓ સાથે એટીએસનો કાફલો મોરબી આવી પહોંચ્‍યો : પાકિસ્‍તાનનું કનેકશન ખુલતા સેન્‍ટ્રલ અને સ્‍ટેટ આઇબીના પણ મોરબીમાં ધામા : તપાસનો ધમધમાટ

કરોડોના ડ્રગ્‍સ સાથે પકડાયેલ ત્રણેય શખ્‍સો અને એટીએસનો કાફલો નજરે પડે છે.
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : પાકિસ્‍તાનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોકલાયેલ હેરોઇનનો જંગી જથ્‍થો મોરબી સુધી પહોંચ્‍યો હોવાની સચોટ બાતમીને આધારે ATS ટીમે મોરબી SOG ટીમને સાથે રાખી હાથ ધરેલ ઓપરેશન ઝીંઝુડા ૨૪ કલાક કરતા વધુ સમય બાદ પૂર્ણ કરી રૂપિયા ૬૦૦ કરોડની કિંમતના ૧૨૦ કિલોગ્રામ હેરોઇન અને ત્રણેય આરોપી સાથે હાલ ATSનો કાફલો મોરબી પહોંચી ગયો છે. સમગ્ર તપાસનો હવાલો ATS પોતાની પાસે રાખ્‍યો છે અને આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તેવો રૂપિયા ૬૦૦ કરોડની કિંમતના હેરોઇન ઝડપી લેવાની ઘટનાની ભીતરમાં જોઈએ તો ઓપરેશન ઝીંઝુડાના મૂળિયા સલાયા જ પડ્‍યા હતા. સલાયમાંથી ઝડપાયેલા ડ્રગ્‍સ બાદ આરોપીઓએ ડ્રગ્‍સનો વધુ જથ્‍થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ખાતે છુપાવ્‍યો હોવાની કબૂલાત આપતા ATS ના ઉચ્‍ચ અધિકારીઓ સહિતની ટીમ રવિવારે બપોર બાદ મોરબી આવી પહોંચી હતી અને મોરબી SOG ટીમને સાથે રાખી ઓપરેશન ઝીંઝુડા માટે રવાના થઈ હોવાનું માહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે એનડીપીએસને લગતા કેસમાં પંચરોજકામ સહિતની કાર્યવાહી એકઝ્‍યુકેટિવ મેજીસ્‍ટ્રેટની હાજરીમાં જ થતી હોય ઝીંઝુડા ગામેથી ઝડપાયેલા ડ્રગ્‍સના મોટા જથ્‍થા પ્રકરણમાં લંબાણપૂર્વકની તપાસ ચાલી રહી હતી અને અંદાજે ૨૪ કલાક કરતા પણ વધુ સમયગાળા બાદ ગત રાત્રીના સમયે ત્રણેય આરોપીઓ અને ૬૦૦ કરોડના ડ્રગ્‍સ સાથે ATS કાફલો મોરબી આવી પહોંચ્‍યો હતો અને હવે આજે આરોપીઓને રિમાન્‍ડની માંગણી સાથે નામદાર અદાલત સમક્ષ રજુ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી બાજુ ડ્રગ્‍સ પ્રકરણનું પાકિસ્‍તાન કનેક્‍શન ખુલતા જ તંત્ર સતર્ક બન્‍યું છે. આ સાથે સેન્‍ટ્રલ અને સ્‍ટેટ આઈબી તેમજ કસ્‍ટમના અધિકારીઓએ ઝીંઝુડા ગામે ધામા નાખીને તપાસનો ધમધમાટ ચલાવ્‍યો છે.
ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મોરબી એસઓજી ટીમને સાથે રાખી જીલ્લાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી રૂપિયા ૬૦૦ કરોડના ૧૨૦ કિલોગ્રામ હેરોઈનનો જથ્‍થો જપ્ત કરેલ છે.પોલીસની સયુંકત ટીમે ૬૦૦ કરોડના ડ્રગ્‍સ સાથે મુખ્‍તાર હુશૈન ઉર્ફે જબ્‍બાર હાજી નૂરમોહમ્‍મદ રાવ, ઉ.વ.૩૯ રહે. બસ સ્‍ટેન્‍ડ રોડ, મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ.૩૭ રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ રહે સલાયા, દેવભૂમી દ્વારકા વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.
પોલીસની પ્રાથમીક પૂછપરછ દરમ્‍યાન આ જપ્ત કરેલ માલ, ગુલામ, જબ્‍બાર તથા ઇસા રાવ રહે. જોડીયા વાળા દ્વારા પાકિસ્‍તાનના ઝાહિદ બશીર બલોચ પાસેથી પાકિસ્‍તાનથી દરિયાઈ માર્ગે મગાવેલ હતો જેની ડીલીવરી તેઓએ ઓક્‍ટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં 23°28’100N and 67°40”00”E ઉપર લીધેલ હતી, અને આ જથ્‍થો તેઓએ દેવભૂમી દ્વારકાના દરિયા કિનારે કોઇ જગ્‍યાએ સંતાડેલ હતો જે બાદમાં મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવા બની રહેલ મકાનમાં સંતાડેલ હતો.
આ ચકચારી કેસમાં સેન્‍ટ્રલ અને સ્‍ટેટ આઈબીએ પણ ઝંપલાવ્‍યું છે. બન્ને વિભાગોના અધિકારીઓએ ઝીંઝુડા ગામે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે ડ્રગ્‍સ દરિયા મારફત આવ્‍યું હોય જામનગરના કસ્‍ટમના અધિકારીઓ પણ ઝીંઝુડા ગામે પહોંચ્‍યા છે. તેઓએ પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્‍યું છે.

 

ડ્રગ્‍સ પ્રકરણમાં સમસુદ્દીને ઝીઝુંડા ગામને કલંકિત કર્યુ : મુંજાવર પીરજાદા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના ઝીંઝુંડા ગામે ૬૦૦ કરોડનો ડ્રગ્‍સનો જથ્‍થો પકડાતા ખળભળાટ મચી ગયો છે ત્‍યારે અનેક લોકોની આસ્‍થાથી જોડાયેલ ઝીઝૂડા ગામે આવેલા જાણીતા કોઠાવારા પીરની દરગાહના મુંજાવર અને ગામના સરપંચ સમસુદીન. એમ. પીરજાદાએ જણાવ્‍યુ હતુ કે, પોતાના ઘરમાં કરોડોનું ડ્રગ્‍સ છુપાવનાર આરોપી મૂળ બાબરા તાલુકાના ખીજડિયા ગામનો સમસુદીન દોઢ વર્ષથી ઝીંઝુડા ગામમાં રહેતો હતો. અગાઉ જુગાર કેસમાં પકડાયો હતો. દોરા ધાગા કરવા ઉપરાંત મજૂરી કામ કરતો હોવાનું અને પરિણીત હોવાનું જણાવ્‍યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વ્‍યક્‍તિએ કોઠાવારાં પીરના ઝીંઝુંડા ગામને આવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરી કલંક લગાડ્‍યું છે. જે બહુ દુઃખની બાબત છે.

(11:29 am IST)