Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ગારિયાધારના રૂપાવટી ગામેપુત્રની નજર સામે પિતાની હત્યા : મોબાઈલ બાબતે ઠપકો આપવા જતા ચાર શખ્સોએ કર્યો હુમલો

પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીક્યાં : ત્રણને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા

ભાવનગર : જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રિના હથિયારના ઘા ઝીંકી હત્યા થવા પામી હતી. જે મામલે પુત્ર સાથે મોબાઇલની બાબતે થયેલ બોલાચાલીનો ઠપકો આપવા જતા ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યા સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાનાં પાલિતાણા તાલુકાના રૂપાવટી ગામે પાલડી રોડ પર રહેતા ગોરધનભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૫૫)એ ગારિયાધાર પોલીસ મથકમાં આજ ગામના તેઓના કુટુંબી ભાઇ દેવરાજ જીણાભાઇ ઉનાવા, જીતુ દેવરાજભાઇ ઉનાવા, રાજુ દેવરાજભાઇ ઉનાવા, વિપુલ બિજલભાઇ ઉનાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઇ રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૪૦)ને તેના કુટુંબી દેવરાજ ઉનાવા સાથે પારિવારીક મનદુઃખ ચાલતું હોય અને ગઇકાલે રમેશભાઇના દિકરા કૌશીકભાઇ અને જીતુ દેવરાજભાઇ બંને વચ્ચે મોબાઇલ બાબતે સાંજના સુમારે બોલાચાલી થઈ હતી

આ અંતર્ગત દેવરાજ ઉનાવાના ઘરે તેઓના ભાઇ રમેશભાઇ, તેના બંને દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇ ઠપકો આપવા જતા જીતુ દેવરાજ અને તેમના પરિવારે એકસંપ થઈ આ વખતે આ લોકોને જીવતા રહેવા દેવા નથી, મારી નાખાશું તેમ કહી ઘરમાંથી છરી જેવા તિક્ષ્ણ હથિયાર લાવ્યા અને રમેશભાઇના પેટના ભાગે ઝીંકી દઇ સાથે દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇને પણ આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયા હતાં

(10:11 pm IST)