Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કુવાડવાના સાતડામાં જમીનના પ્રશ્‍ને બે પક્ષ વચ્‍ચે મારામારીઃ મહિપત મેઘાણીની હત્‍યાનો પ્રયાસ

‘તારી જમીનમાં કબજો કરવો છે' કહી યુવાન પર વલકુ, ભાવેશ કોટક અને હરેશ ડાભી સહિતે કુહાડી, પાઇપ અને ધોકાથી હુમલો કર્યોઃ સામસામી ફરિયાદઃ પાંચને ઇજા

રાજકોટ તા. ૧૭: કુવાડવાના સાતડા (ચોરાવાડી) ગામે રહેતા યુવાનના ટ્રેકટર સાથે ત્રણ શખ્‍સોએ વાહન અથડાવી ‘તારી જમીનમાં કબ્‍જો કરવો છે' કહી કુહાડી, પાઇપ અને ધોકા વડે હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કરતા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાતડા ગામમાં રહેતા મહિપત ગોરધનભાઇ મેઘાણી (ઉ.વ. ર૩) એ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ખેતીકામ કરે છે. ગઇકાલે પોતે પોતાના ટ્રેકટરમાં ડિઝલ પુરાવી પોતાના ગામ સાતડા તરફ જતો હતો ત્‍યારે ગામના પાટીયાથી ગામ તરફ જતી વખતે બે ગાડીઓમાં ધસી આવેલા વલકુ, ભાવેશ કોટક અને હરેશ ડાભી સહિતના શખ્‍સોએ તેને રોકી ‘અહીં શું કરે છે?'  પૂછતા તેણે ‘હું ગામમાં જાવ છું' તેવો જવાબ આપ્‍યો હતો. બાદ ત્રણેય શખ્‍સોએ પોતાને ગાળો આપી બોલાચાલી કરવા લાગ્‍યા હતા. પોતે ડરી જતા ટ્રેકટર લઇ આગળ આરસીસી પટ્ટી પાસે ગયા બાદ પોતે ટ્રેકટર નીચે ઉતરતા ત્રણેય શખ્‍સોએ ‘તારી જમીનમાં કબજો કરવો છે' કહી માર મારવા લાગ્‍યા હતા. દરમ્‍યાન આ શખ્‍સો પાસે કુહાડી, ધોકા, પાઇપ જેવા હથીયારો હોઇ તેમાંથી વલકુએ કુહાડી વડે હુમલો કરતા તેને જમણી આંખના ઉપરના ભાગે ઘા કર્યો હતો. જયારે અન્‍ય શખ્‍સોએ ધોકા અને પાઇપથી મારમાર્યો હતો. આ સમયે તેના મોટાબાપુ મનસુખભાઇ તેનો દીકરો મુકેશ સહિતના ગામના અન્‍ય લોકો ત્‍યાં આવીને વચ્‍ચે પડતા બંને પક્ષ વચ્‍ચે મારામારી થઇ હતી. આ હુમલામાં પોતાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં મહિપતના મોટાબાપુ જમીન-મકાન લે-વેચનું કામ કરે છે તેણે એક જગ્‍યા અગાઉ દલાલીનું કામ કરેલ હોઇ જેનો ખાર રાખી હુમલો કર્યો હતો. તેમજ તેના ટ્રેકટરમાં ગાડી અથડાવી નુકશાન કર્યું હતું.
 જયારે સામાપક્ષે વરજાન લક્ષ્મણભાઇ સભાડા (ઉ.વ.ર૭) (રહે. રૈયા રોડ આવાસ યોજના કવાર્ટર) એ મનસુખ મેઘાણીમ, તેનો પુર મુકેશ, રમેશ દેવાભાઇ મેઘાણી અને રમેશ મકવાણા સહિતની સામે પોતાને ડાબા પગના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી ધમકી આપ્‍યાની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં પી.આઇ. બી. એમ. ઝણકાટે તપાસ હાથ ધરી છે.

 

(11:15 am IST)