Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ભચાઉ લગ્ન પ્રસંગમાં ૩ સેકન્ડમાં ૬ રાઉન્ડ હવામાં ફાયરીંગ

બુલેટ સવાર શખ્સનું કારસ્તાન : વિડીયો વાયરલ થતા પોલીસ તપાસનો ધમધમાટ

ભુજ તા. ૧૭ : કચ્છમાં ૨ દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં થયેલા ફાયરિંગના ૩ જુદા-જુદા વીડિયો વાઇરલ થતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો ભચાઉનો હોવાની પણ પુષ્ટી થઈ છે. વીડિયો પોલીસ સુધી પહોચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે

વાઇરલ થયેલા વીડિયોમાંથી એકમાં બુલેટ પર સવાર એક શખ્સ હવામાં ધડાધડ ૬ રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે. અન્ય બે વીડિયોમાં અલગ-અલગ ૨ યુવકો એક-એક રાઉન્ડ ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં ફાયરિંગના વીડિયો વાઇરલ થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, તે ભચાઉ તાલુકાના સીતારામપુરનો હોવાની ચર્ચા છે.

૨ દિવસ પહેલા યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની આ ઘટના બની હોવાની ચર્ચા થઈ રહી છે. વાઇરલ વીડિયોમાં લગ્ન પ્રસંગ સમયે કેટલાક શખ્સો બુલેટ પર એન્ટ્રી કરતા નજરે પડી રહ્યા છે. જેમાનો એક વ્યકિત પિસ્તોલ જેવા હથિયારથી માત્ર ૩ સેકન્ડમાં હવામાં ધડાધડ ૬ રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે.

લગ્નપ્રસંગના આ વીડિયોમાં કોરોના ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળે છે. સામાન્ય માણસને પોતાના ઘેર લગ્ન યોજવા હોય તો પણ સંખ્યા બાબતે ચિંતા કરવી પડે છે. જયારે ભચાઉમાં તો જાણે કાયદો-વ્યવસ્થાને જાણે પડકાર ફેંકાતો હોય તેવા આ વીડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે.

(10:29 am IST)