Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

દેવસર, રાજાવાડ, નાવા પંથકમાં દિપડાના આંટાફેરા

એક મોટો અને એક નાનો રાતના સમયે આવે છે

ચોટીલા તા. ૧૭ : ચોટીલા પંથક દિપડાની વસ્તી ધરાવે છે. અવાર નવાર અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મારણ ની ઘટનાઓ બને છે છેલ્લા કેટલાક દિવસોથી માંડવ નજીકના ગ્રામ્યમાં દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયેલ છે.

માંડવ વન ની નજીક આવેલ દેવસર, રાજાવાડ અને નાવા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડાએ દેખા દેતા લોકોમાં ભય અને ફફડાટ ફેલાયેલ છે.

છેલ્લા એક સપ્તાહમાં એક શ્યાન, બકરૂ જેવા મારણ કર્યા છે. હાલ ચોમાસાનો સમય છે. ખેતીવાડી વિસ્તાર છે. ખેડૂતો વાડી ખેતરમાં જ રહેતા હોય છે. રાતના શાકભાજીના વાવેતરમાં કામ પણ કરવાનું હોય છે. ત્યારે એક નહી પણ બે ની જોડી કેટલાક દિવસોથી આંટાફેરા મારતા લોકો ડરી રહ્યા છે.

વન વિભાગ દ્વારા દિપડાની રંઝાડ વધે તે પહેલા પગલા લેવા જોઈએ માંડવ વનમાં પ્રાણીઓ છે પરંતુ જંગલ ફરતી પ્રોટેકશન દિવાલ બનાવાય તેવી લોકોની માંગ ઉઠી છે જેથી આવા પ્રાણી માણસની વસ્તી સુધી ના પોહચે.

રમેશભાઈ મકવાણા ( ખેડૂત રાજાવાડ)કહે છે કે, અમે વાડીએ રહીએ છીએ અમે નજરો નજર જોઇએ છીએ, છેલ્લા ઘણા દિવસોથી મારી વાડીમાંથી પસાર થવાનો તેનો રોજીંદા ક્રમ બની ગયેલ છે. રાતના ૯ થી ૧૦ વાગ્યાના અરસામાં અને મોડી રાતના ત્રણ વાગ્યા આસપાસ આવે છે. શ્વાન, બકરા જેવા મારણ કર્યા છે, પાચ ફુટ ઉંચી દિવાલ પણ કુદી જાય છે. અમોને ડર લાગે છે. સલામતી માટે વન વિભાગે પગલા લેવા જોઈએ.

(10:28 am IST)